• શુક્રવાર, 29 માર્ચ, 2024

આંતરરાષ્ટ્રીય વેપાર માટે સ્થાનિક ચલણનો ઉપયોગ કરવાની બ્રિક્સના દેશોની વિચારણા  

કૅપટાઉન, તા. 2 (એજન્સીસ) : `બ્રિક્સ' દેશોએ આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવહારોમાં સ્થાનિક ચલણનો ઉપયોગ વિનિમય માટે કરવાની હિમાયત કરી છે. આ ઉપરાંત ધોરણો આધારિત મુક્ત અને પારદર્શક વૈશ્વિક વેપારને ટેકો આપવાની હિમાયત કરી છે. 

વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સંબંધોના બ્રિક્સ પ્રધાનોની બેઠકના અંતે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ક્વૉટા આધારિત મજબૂત વૈશ્વિક નાણાકીય સુરક્ષા તેમ જ તેનાં સેન્ટરોમાં પૂરતા સ્રોત સાથેના ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ની હિમાયત કરાઈ હતી.

ક્વૉટાના 16મા જનરલ રિવ્યૂ અને નૂતન ક્વૉટા ફૉર્મ્યુલા હેઠળની આઈએમએફ ગવર્નન્સ સુધારાની પ્રક્રિયા તા. 15 ડિસેમ્બર, 2023 સુધીમાં પૂરી કરી દેવા માટે આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. `બ્રિક્સ' દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ વિશ્વના પાંચ સૌથી મોટા વિકાસશીલ અર્થતંત્રો છે. તે વૈશ્વિક વસતિનો 41 ટકા હિસ્સો ધરાવે છે અને વૈશ્વિક જીડીપીનો 24 ટકા હિસ્સો ધરાવે છે. વૈશ્વિક વેપારનો 16 ટકા હિસ્સો ધરાવે છે.

વિશ્વમાં દંડાત્મક પગલાં જેવા કે પ્રતિબંધો, બહિષ્કાર, એમ્બાર્ગો અને બ્લૉકેકસથી આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિ વધુ મુશ્કેલ અને ગૂંચવાડાભરી બની હોવાનો મત આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યો હતો.પ્રધાનોની બેઠક બે દિવસ ચાલી હતી. આમાં બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ દિલમા રાઉસેફ જે ન્યુ ડેવલપમેન્ટ બૅન્ક (એનસીબી)ના પ્રેસિડેન્ટ બન્યા છે તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. એનસીબી પ્રીમિયર મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂશન બની રહેશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી.

બેઠકમાં ઍનર્જી સિક્યુરિટીના મહત્ત્વ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત માર્કેટ સ્થિરતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. `બ્રિક્સ' રાષ્ટ્રોની આગામી બેઠક આવતા અૉગસ્ટ મહિનામાં દક્ષિણ આફ્રિકામાં યોજવાનું સૂચવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક