• શુક્રવાર, 29 માર્ચ, 2024

તુવેરદાળના ભાવમાં 10થી 15 ટકાનો ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 4 : કઠોળ બજારમાં એક તરફ ચણાના ભાવ ટેકા કરતા નીચે ચાલી રહ્યા છે. ઉનાળુ મગની આવક શરૂ થતા એમાં નબળાઈ શરૂ થઈ છે, પણ બીજી તરફ તુવેરદાળના ભાવ છેલ્લાં મહિનામાં 10-15 ટકા સુધી વધી જતા કઠોળ બજારમાં તુવેરની ચર્ચા વધી છે. સરકાર પણ તુવેરના પુરવઠાને લઈને એલર્ટ થઈ જતા સ્ટોક પર વોચ રાખવા લાગી છે. ઘરઘરમાં તુવેરદાળ મોટેભાગે રોજ બનતી હોય છે ત્યારે ગૃહિણીઓને બજેટ સાચવવું અઘરું થઈ પડ્યું છે. ગુજરાતમાં તુવેર દાળ ઉત્પાદનનો ઉદ્યોગ બહોળા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે, પણ ભાવવધારાને લીધે અત્યારે મિલોના ગણિત બદલાઈ ગયા છે, બધી મિલોને કાચા માલની અછત પડવા લાગી છે. 

પાછલા એક મહિનામાં તુવેરદાળનો ભાવ 11થી 15 ટકા જેટલો જાતવાર વધી ગયો છે. રાજકોટની બજારમાં લોકલ બ્રાન્ડઝની દાળનો ભાવ રૂા. 132-135 પ્રતિ કિલો જથ્થાબંધમાં ચાલે છે. વાસદ તરફના રૂા. 136-140 અને ટોપ બ્રાન્ડઝના રૂા. 150 સુધી પણ બોલાય છે. જોકે તેજી ટૂંકાગાળામાં આવતા સૌ ચોંકી ગયા છે. ભૂતકાળમાં દોઢ દાયકા પૂર્વે તુવેરદાળના રેકોર્ડબ્રેક ભાવ થયા હતા એ દિવસોની ફરી યાદ આવી ગઈ છે. 

તુવેરનો ભાવ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મણે રૂા. 1600-1984 અને જાપાન ક્વોલિટીમાં રૂા. 1800-2148 થઈ ગયો છે. જે એક મહિના પૂર્વેના ભાવ કરતા રૂા. 300 જેટલા ઊંચા છે. આમ કિલોએ રૂા. 15 વધી ગયા છે. દાળ ઉત્પાદકો કહે છે કે, ઓછાં વાવેતર અને માવઠાં પછી તુવેરના ઉત્પાદનમાં ખાસ્સો ઘટાડો થયો છે એટલે માલની અછત છે. પુરવઠો બજારમાં નહીવત્ આવે છે અને આવે તે પીવાઈ જાય છે. આ સ્થિતિમાં તુવેરના ભાવ વધવાનું શરૂ થયું છે. 

જોકે, આયાતી આફ્રિકન અને બર્માની તુવેર ભારતમાં આવતી હોય છે, ફણ આ વખતે ત્યાં માલની ખેંચ છે. સ્ટોક બહુ મર્યાદિત છે એટલે ભારતમાં આવક પાંખી છે અને તુવેરના ભાવ ઊંચકાયા છે એટલે દાળ પણ વધી ચૂકી છે.   તુવેરના ભાવ કાબૂમાં રહે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા બુધવારે બેઠક બોલાવવામાં આવી હતી. એમાં દર શુક્રવારે કઠોળના સ્ટોકની વિગત અૉનલાઈન સરકારી પોર્ટલ પર અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે ટ્રેડરોએ અને ઉત્પાદકોએ એવું સૂચન પણ કર્યું છે કે, ઘરેલું ઉત્પાદન નબળું છે ત્યારે સરકારે તુવેરની આયાતમાં વધારો કરવો જ પડશે. આયાતમાં કચાસ રાખવામાં આવશે તો લાંબાગાળે તુવેરના ભાવ ખૂબ વધી શકે છે. 

બીજી તરફ અત્યારે કઠોળ બજારમાં ચણા અને મગની હાલત પતલી છે. ચણા ટેકાના ભાવ કરતા નીચાંમાં વેચાય છે. ચણાનો ભાવ કાંટાવાળાનો પાક ઓછો હોવાથી રૂા. 55-60 પ્રતિ કિલો અને દેશીનો ભાવ રૂા. 62-63 ચાલે છે. ચણામાં બે વર્ષથી સારાં ભાવ મળતા નથી એટલે હવે વાવેતર પ્રભાવિત થવાની શક્યતા છે. 

મગમાં નવા ઉનાળુ માલનો આરંભ થઈ ગયો છે એટલે બજાર પાછી પડી છે. મગમાં એકધારી તેજી હતી તેમાં ઘટાડો નોંધાયો છે. મગમાં કિલોએ રૂા. 3-4 ઘટી જતા જથ્થાબંધ બજારમાં રૂા. 80થી 110ના ભાવ ગુણવત્તા પ્રમાણે થઇ ગયા છે. મગ છડીમાં રૂા. 100-120 અને ફાડામાં રૂા. 88-95 રહ્યા હતા. અડદમાં પાક ઓછો છે એટલે ભાવ મક્કમ બોલાય છે. સ્થાનિકમાં અડદદાળ રૂા. 100-104માં મળે છે.

ઇ-પેપરના નવા શુલ્ક