શૅરબજારમાં નવા સપ્તાહમાં
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : ફેબ્રુઆરી-માર્ચમાં ઇક્વિટી ટ્રેડેડ ફંડ (ઈટીએફ)એ બજારમાં મોટું રોકાણ કર્યું છે, જે ઈટીએફ ફંડો માર્કેટમાંથી નીકળી ગયાં હતાં તેઓ પાછા ફરી રહ્યાં છે. બજારમાં જેમ તક મળતી જાય તેમ ઈટીએફ તેનું રોકાણ કરે છે અને બજારની સકારાત્મકતા વધતી જાય તેમ રોકાણકારો ઈટીએફમાં રોકાણ કરતા જાય છે.
માર્કેટમાં મજબૂત રૅલી આવી છે એટલે ગમે ત્યારે થોડું કોન્સોલિડેશન આવી શકે છે. રોકાણકારોએ બજારમાં જ્યારે કરેકશન આવે ત્યારે તેને રોકાણની ઉમદા તક સમજીને હિંમતથી રોકાણ કરવું જોઈએ એમ બજારના નિષ્ણાત દેવેન ચોકસીએ જણાવ્યું હતું.
ઘણા રોકાણકારો એવા પણ હશે કે જેઓ છેલ્લા બે મહિનામાં કોઈ કારણોસર રોકાણ કરી શક્યા ન હોય અને બજારની તેજીનો લાભ લઈ શક્યા ન હોય તેઓ હવે જ્યારે બજારમાં તંદુરસ્ત કરેકશન આવે ત્યારે સારી ગુણવત્તાવાળા શેરની ખરીદી કરે, એવી સલાહ દેવેન ચોકસીએ તેમની સાપ્તાહિક સમીક્ષામાં આપી છે.
હાલમાં બજારની તેજી સાથે મિડકૅપ અને સ્મોલકૅપ શૅરોની ગતિવિધિઓ વધી છે અને ભાવમાં સુધારો થયો છે. આ બન્ને કાઉન્ટરોમાં કરેકશનની વધુ શક્યતાઓ છે. હાલમાં જે કંપનીઓનાં વેલ્યુએશન ઘણાં બધાં વધ્યાં છે તે જ્યારે કરેકશન આવશે ત્યારે તેના ભાવમાં તીવ્ર વધઘટ રહેશે. એકંદરે હાલમાં બજારમાં વેલ્યુએશનની કોઈ ચિંતા નથી અને બજારનું મૂલ્યાંકન વધારે પડતું નથી.
ભારતીય કંપનીઓના તાજેતરનાં પરિણામો પ્રોત્સાહક છે. દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને વેગ મળે તે માટે સરકારે મૂડીખર્ચ વધાર્યો છે અને કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોમાં તેની સકારાત્મક અસરો જોવા મળશે.
એબીબી, એલઍન્ડટી અને સિમેન્સ જેવી કંપનીઓને સરકાર તરફથી નવી ઓર્ડર બુક મળી છે જે આગામી ત્રણ વર્ષ સુધી ચાલશે. ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર પાછળ જે વિપુલ ખર્ચ થઈ રહ્યો છે તે જોતાં એમ કહી શકાય કે બજારમાં હજી વધુ વિકાસની શક્યતાઓ છે.
ભવિષ્યમાં રિયલ એસ્ટેટના બિઝનેસમાં રહેલી કંપનીઓ સારો દેખાવ કરે તેવું જણાય છે. આ ઉપરાંત હાઉસિંગ ફાઈનાન્સ ક્ષેત્રની કંપનીઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. એવું બને કે રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓ કરતા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓમાં નફો ઓછો મળે. આમ છતાં એકંદરે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ ભવિષ્યમાં ઘણો સારો દેખાવ કરશે એમ દેવેન ચોકસીનું માનવું છે.