• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ગ્રાહક સેવાનાં ધોરણો સુધારવા આરબીઆઈ પૅનલે નવા નિયમોની ભલામણો કરી   

આરબીઆઈએ સંબંધિત પક્ષકારો પાસેથી 7 જુલાઈ સુધીમાં અભિપ્રાયો માગ્યા

મુંબઈ, તા. 5 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા દ્વારા નિમાયેલી નિષ્ણાંત પેનલે નિયામકી ધોરણો હેઠળ આવતી બૅન્કોમાં ગ્રાહક સેવાના ધોરણોમાં સુધારણા  લાવવા માટે સૂચિત ભલામણોની એક યાદી તૈયાર કરી છે. આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર બી પી કાનુન્ગોના અધ્યક્ષપદ હેઠળ આ પેનલે ભલામણો તૈયાર કરી  છે. 

પેનલ દ્વારા કરવામાં આવેલી ભલામણોમાં સંબંધિત એન્ટીટી (બૅન્કો) દ્વારા વસૂલ કરવામાં આવેલા ચાર્જિસની સમીક્ષા અને બૅન્ક પીપીઆઈ (પ્રી પેઈડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) માટે ઇન્સ્યુરન્સ કવરની ડિપોઝિટના એક્સ્ટેન્શનની પણ સમીક્ષા કરવાની બાબતોનો સમાવેશ થાય છે. 

આ સાથે બૅન્કો દ્વારા થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સના વેચાણ ક્રોસ સેલિંગનું અૉડિટ પણ કરવાની ભલામણ તેમાં કરવામાં આવી છે. જેથી કોઈપણ પ્રોડક્ટનું મિસ સેલિંગ થાય નહીં તેની તકેદારી લઈ શકાય. તે ઉપરાંત આ પ્રોડક્ટ્સના વેચાણ સંદર્ભે માર્ગદર્શિકા પણ રજૂ કરવામાં આવે તેવી ભલામણ પણ આ પેનલે કરી છે. 

આરબીઆઈએ 23 મે 2022ના રોજ આ પેનલની રચના કરી હતી, આ પેનલને ગ્રાકોની સેવાના દરજ્જા વિશે સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સાથે ગ્રાહક સેવા સુધારવા માટે વધુ કયા પગલાં લેવા જરૂરી છે તેના સૂચનો પણ માગ્યા હતા. 

પેનલે કરેલી ભલામણો વિશે અંતિમ મત જાહેર કરતાં પહેલાં આરબીઆઈએ સંબંધિત પક્ષકારો પાસેથી 7 જૂલાઈ સુધીમાં તેમના અભિપ્રાયો ઈ-મેઈલ દ્વારા મોકલવાની સૂચના આપી છે. 

ગ્રાહકોની સુરક્ષા માટે નિયામક હેઠળ આવતી બૅન્કો અથવા કંપનીઓ દ્વારા લેવામાં આવતા પગલાંની સમીક્ષા કર્યા બાદ તેમને પ્રોત્સાહન આપવા લાભ આપવા અથવા લાભ પરત લેવા માટેના પગલાં લેવાની પણ ભલામણ પેનલે કરી હતી.\\