• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ડૉલરનાં મૂલ્યમાં તેજીથી સોનું નરમ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 5 : અમેરિકાના રોજગારીના આંકડાઓ ધારણા કરતા વધારે મજબૂત આવવાને લીધે ડોલરની તેજીએ સોનાને તોડ્યું હતુ. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1943 ડોલર અને ચાંદીનો ભાવ 23.45 ડોલર સુધી નીચે આવી ગયો હતો. ફેડ જૂનમાં વ્યાજદર વધારો નહીં કરી શકે તેવા સંકેતો બજારને મળ્યા છે એટલે સોનામાં મોટી મંદી થઇ નથી. સોનાના ભાવ ઘસાતા જાય છે પણ એકંદરે બજાર 1930થી 1980ની રેન્જમાં જ ચાલી રહી છે. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂ.150ના ઘટાડે રૂ. 61500 અને મુંબઇમાં રૂ. 707ના ઘટાડે રૂ. 59601 રહ્યું હતુ. જ્યારે ચાંદીનો ભાવ રાજકોટમાં એક કિલોએ રૂ. 500 ઘટી રૂ. 71500 અને મુંબઇમાં રૂ. 896ના ઘટાડામાં રૂ. 71462 રહ્યો હતો.  

બજારના વિષ્લેષકો કહે છેકે તેજીવાળા થોડાં ધીમા પડ્યા છે. ભલે બેરોજગારીનો દર વધ્યો છે પણ રોજગારી મોટાં પ્રમાણમાં સર્જાઇ છે એટલે ડોલરમાં ફરી તેજી સર્જાવાના ફફડાટથી સોનામાં નવી વેચવાલી હતી. સોનું શુક્રવારે 1 ટકો ઘટ્યું હતુ અને સોમવારે પણ નરમાઇ ચાલુ રહી હતી કારણકે અમેરિકાએ ગયા મહિનામાં 1.90 લાખની અપેક્ષા સામે 3.90 લાખ નોકરીઓનું સર્જન કર્યું હતુ. 

સોમવારે ડોલર ઇન્ડેક્સમાં 0.3 ટકાનો વધારો થયો હતો. એ કારણે સોનામાં ઢીલાશ વર્તાતી હતી. અમેરિકામાં દેવાની કટોકટીનો મુદ્દો ઉકેલાઇ ગયો છે એટલે સોનાનું પ્રિમિયમ ઘટ્યું છે. 13-14 જૂને ફેડરલ રિઝર્વની બેઠક મળવાની છે અને એમાં વ્યાજના દરમાં વધારો ન કરાય એવી શક્યતા 80 ટકા જેટલી દેખાય છે એટલે પણ તેજીવાળાએ હજુ હથિયાર હેઠાં મૂક્યાં નથી.