• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

મે મહિનામાં સર્વિસીસ ક્ષેત્રનો પીએમઆઈ સહેજ ઘટયો   

અૉગસ્ટ 2021 પછી સતત બાવીસમા મહિનામાં સર્વિસીસ પીએમઆઈ 50 અંકથી ઉપર

નવી દિલ્હી, તા. 5 (એજન્સીસ) : સેવા કામકાજના ખર્ચમાં થયેલા વધારાની સાથે અપાયેલી સેવા ઉપરના વેરાનું ભારણ વધવાના કારણે મે મહિના દરમિયાન સર્વિસીસ પીએમઆઈ એપ્રિલની તુલનાએ સહેજ ઘટીને 61.2 અંક થયો છે, જે એપ્રિલ માસમાં 62 અંક હતો. 

ક્રેડિટ રેડિંગ એજન્સી એસઍન્ડપી ગ્લોબલ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર મે માસમાં સર્વિસીસ પીએમઆઈ બીજા ક્રમનો સૌથી મોટો વધારો દર્શાવે છે. 

50 અંકથી ઉપર અર્થતંત્રના આ સૂચકાંકમાં વૃદ્ધિ અને તેથી નીચેનો અંક તેમાં સંકોચનનો નિર્દેશ કરે છે. અૉગસ્ટ 2021 પછી સતત બાવીસમા મહિનામાં સર્વિસીસ પીએમઆઈ 50 અંકથી ઉપર આવી રહ્યો હોવાનું આ સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

આશરે 400 સર્વિસીસ આપતી કંપનીઓનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં નોન-રિટેલ કન્ઝ્યુમર સર્વિસીસ, ટ્રાન્સપોર્ટ, માહિતી, સંદેશવ્યવહાર, ફાઈનાન્સ, વીમા, રિયલ એસ્ટેટ અને બિઝનેસ સર્વિસીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

જૂલાઈ 2010 પછી આ ક્ષેત્રના ઉત્પાદનમાં બીજા ક્રમનો સૌથી ઝડપી વધારો થયો છે અને તે માટે સકારાત્મક માગના વલણ હેઠળ નવા બિઝનેસમાં વિકાસને મળેલા સાતત્યથી ટેકો મળ્યો હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. 

અહેવાલ મુજબ વિદેશી માગમાં સતત સુધારો આ ક્ષેત્રમાં જોવા મળ્યો હતો. નિકાસના નવા બિઝનેસમાં સતત ચોથા માસમાં વધારો નોંધાયો છે અને નવા ઓર્ડર્સને પહોંચી વળવા માટે નવા કર્મચારીઓની ભરતી કંપનીઓ દ્વારા કરવામાં આવી છે. 

દેશના અતિ ગતિશીલ ગણાતા સર્વિસીસ ક્ષેત્રમાં વિવિધ જણસોમાં ફુગાવો વધવા છતાં સતત સુધારો નોંધાયો છે અને અર્થતંત્રમાં થઈ રહેલા સુધારાનું તે પ્રતીક છે, એમ એસઍન્ડપી ગ્લોબલના વરિષ્ઠ અર્થશાત્રી પોલિયાના દ'લીમાએ તેમના આ અહેવાલમાં જણાવ્યું છે. 

વધી રહેલા ખર્ચાઓનો બોજ સર્વિસીસ પ્રદાન કરતી કંપનીઓએ તેમના દરમાં તાત્કાલિક વધારો કરીને સરભર કર્યો હતો અને તેમાં પરિવહન, સંદેશવ્યવહાર અને ગ્રાહકોને સેવા પ્રદાન કરતી કંપનીઓ અગ્રેસર રહી હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 

આવનારા 12 મહિના દરમિયાન સર્વિસીસ સેક્ટરમાં વિકાસની ગતી જળવાઈ રહેશે, તે માટે સર્વિસીસની જાહેરખબરો પાછળ ખર્ચમાં વધારો, મજબૂત માગ અને બજારની અનુકૂળ પરિસ્થિતિના કારણો મુખ્ય હોવાનું આ સર્વેમાં નોંધવામાં આવ્યું છે.