• બુધવાર, 29 નવેમ્બર, 2023

2024 પહેલાં મોદી સરકાર શહેરી ગરીબો માટેની સ્કીમનું વિસ્તરણ કરશે  

નવી દિલ્હી, તા. 20 : કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય વધુ શહેરી ગરીબોને સ્કીમમાં આવરી લેવા માગે છે. આથી દિનદયાલ અંત્યોદય યોજના-નેશનલ અર્બન લાઈલીફૂડ મિશન (ડે-એનયુએલએમ)ના બીજા તબક્કામાં વિવિધ વ્યવસાયી ગ્રુપો જેવા કે ઘરગથ્થુ સ્ટાફ, રિક્ષા-ડ્રાઈવર, કચરો ઉપાડનારા, બાગાયતી કામ કરનારા અને બાંધકામ ક્ષેત્રના કામદારોને આવરી લેવાશે. 

ડે-એનયુએલએમ યોજના સપ્ટેમ્બર, 2013માં શરૂ કરાઈ હતી. આનો હેતુ કાયમી ધોરણે શહેરી ગરીબ પરિવારોની ગરીબી અને નિર્બળતા ઘટાડવાનો હતો. આનું મુખ્ય ધ્યાન સેલ્ફ-હેલ્પ ગ્રુપો ઊભા કરવાનો અને સ્કિલ ડેવલપમેન્ટ, સ્વરોજગાર તાલીમ પૂરી પાડવા ઉપરાંત ઘરવિહોણા માટે આશ્રયસ્થાન પૂરા પાડવાનો હતો. આ મિશન માર્ચ, 2024માં પૂરું થશે.

ઉચ્ચ સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે એનયુએલએમના બીજા તબક્કાની દરખાસ્ત કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળના એકસપેન્ડીચર ફાઈનાન્સ કમિટી દ્વારા ગત વર્ષે મંજૂર થઈ હતી. આ વર્ષના માર્ચમાં હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયે શહેરી ગરીબ નિષ્ણાતો અને બિનનફાકારક તંત્રો સાથે હિતધારક ચર્ચા-મંત્રણા કરી હતી. આમાં શહેરી ગરીબોના મોટા વર્ગ સુધી પહોંચવાના શક્ય વિકલ્પોની ચર્ચા થઈ હતી.

સરકાર હવે તેના ફોકસમાં બદલાવ કરવા જઈ રહી છે.

પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) સ્કીમ 2020માં શરૂ કરાઈ હતી. તેનો હેતુ કોરોના મહામારી બાદ કામ પુન: શરૂ કરવા લોન આપી. શેરીઓના ફેરિયાઓને મદદ કરવાનો હતો. 55 લાખથી વધુ ફેરિયાઓને આનો લાભ થયો હતો. જોકે શહેરી ગરીબીને લગતા નિષ્ણાતો કહે છે કે વધુ આવી ઓક્યુપેશન-સ્પેસિફિક સ્કીમોની જરૂરત છે.

મંત્રાલયના અધિકારીઓ અર્બન લાઈલીફૂડ મિશનનો વિસ્તાર કરી તેની નવી ઓળખ આપવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે. આ ઉપરાંત તેના અમલમાં રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારોને સહેવા પડતા પડકારોને હલ કરવા પર ભાર મૂકે છે.