• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

એનસીડેક્સમાં મગફળીના વાયદાનો આજથી પ્રારંભ   

ઔદ્યોગિક સંગઠનોનો વાયદાને આવકાર

મુંબઈ, તા. 19 : નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ ખાતે 20મી જુન-2023થી મગફળીનાં વાયદા (ફોતરાં સાથે) શરૂ થશે. એક્સચેન્જના પ્લેટફોર્મ પર અગાઉ મગફળીનાં વાયદા ચાલુ હતા અને 2009માં એક્સચેન્જ પ્રશાસને આ વાયદા બંધ ર્ક્યા હતા. જેને હવે ફરી શરૂ કરવામાં આવશે. એનસીડેક્સ દ્વારા વાયદા પુન:શરૂ કરવાની જાહેરાતને સી.પી.એ.આઇ તથા આઇ.વી.પી.એ જેવા સંગઠનોએ આવકારી છે. 

મગફળીનાં વાયદાનું મુખ્ય ડિલીવરી સેન્ટર રાજસ્થાનનું બિકાનેર રહેશે જ્યારે વધારાનું ડિલીવરી સેન્ટર ગોંડલ રહેશે. એક્સચેન્જે જાહેર કરેલા ધારાધોરણો અનુસાર મગફળીનાં વાયદાની ટ્રેડ લોટ સાઇઝ પામચ ટન જ્યારે ડિલીવરી યુનિટ સાઇઝ પણ પાંચ ટન રાખવામાં આવી છે. હાલમાં જુલાઇ-23 થી સપ્ટેમ્બર-23 સુધીનાં ત્રણ મહિનાનાં વાયદા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ કેલેન્ડર પ્રમાણે સમયાંતરે અન્ય વાયદાઓની સાથે મગફળીનાં નવા મહિનાઓનાં વાયદા શરૂ થશે. 

આ પ્રસંગે ઇન્ડિયન 

વેજીટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એશોસિએશનનાં પ્રમુખ સુધાકર દેસાઇએ જણાવ્યું હતું કે મગફળીનાં વાયદા આવવાથી બજારમાં ભાવની સ્થિરતા જોવા મળશે, કારોબારીઓને હેજીંગની સુવિધા મળશે તેમજ ખેડૂતો, વેપારીઓ અને મિલરો અને ઉપભોક્તાઓને પારદર્શી ભાવનું ટૂલ ઉપલબ્ધ થશે. 

આ પ્રસંગે કોમોડિટી પાર્ટીસીપન્ટસ એશોસિએશન ઓફ ઇન્ડિયા (સી.પી.એ.આઇ) નાં પ્રમુખ નરિન્દર વાધવાએ જણાવ્યું હતું કે મગફળીનાં વાયદા કોમોડિટીમાં રોકાણ કરનારા કારોબારીઓ, ટ્રેડરો માટે કારોબારની વિપુલ તકો ઉભી કરશે. કારણ કે આ ખાદ્ય તેલિબીયાંની બજારમાં વિશેષ માગ છે. મગફળી ભારતમાં માત્ર તેલ જ નહીં પણ સમગ્ર ફૂડ ઇન્ડસ્ટ્રી માટે મહત્વની કોમોડિટી છે. એમ તેમણે ઉમેર્યુ હતું.