• સોમવાર, 04 માર્ચ, 2024

યુકેની સંસદે કરણ જોહરનું સમ્માન કર્યું  

વૈશ્વિક મનોરંજન ઉદ્યોગને આપેલા યોગદાન બદલ બ્રિટિશ સંસદે ફિલ્મમેકર કરણ જોહરનું સમ્માન કર્યું છે. કરણે ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર આપ્યા હતા અને તે જ દિવસે તેના મિત્ર શાહરુખ ખાને કરણ દિગ્દર્શિત આગામી ફિલ્મ રૉકી ઓર રાની કી પ્રેમકહાનીનું ટીઝર રજૂ કર્યું હતું. ભારતીય મૂળના હાઉસ અૉફ લૉર્ડ્સ બૅરોનેસ સેન્ડી વર્માના હસ્તે કરણનું સમ્માન થયું હતું. 

કરણે તસવીર મૂક્યા સાથે જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે ખાસ છે. બ્રિટિશ સંસદ દ્વારા મારું સમ્માન પ્રખ્યાત બૅરોનેસ વર્માએ કર્યું તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. અમે ફિલ્મોદ્યોગમાં ફિલ્મમેકર તરીકે પચીસ વર્ષ પૂરાં કર્યાં તેની ઉજવણી કરીએ છીએ. આ સાથે જ રૉકી ઓર રાની કી પ્રેમકહાનીનું ટીઝર પણ લૉન્ચ થયું છે. આ સાથે જ મને સમજાયું કે મારું સપનું સાકાર થયું છે.  નોંધનીય છે કે કરણે 1998માં ફિલ્મ કુછ કુછ હોતા હૈથી દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેણે કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ના કહેના, માય નેમ ઈઝ ખાન જેવી ફિલ્મો દિગ્દર્શિત કરી છે.