• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

સિદ્ધાર્થ આનંદ સૌથી વધુ મહેનતાણું લેનારો દિગ્દર્શક    

શાહરુખ ખાન અભિનીત પઠાણનો દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ હાલમાં હિન્દી સિનેમા ઉદ્યોગમાં સૌથી વધુ મહેનતાણું લેનારો દિગ્દર્શક છે. પઠાણ ફિલ્મને મળેલી સફળતા માત્ર તેના કલાકારો અને નિર્માતા જ નહીં દિગ્દર્શકને પણ ફળી છે. આ ફિલ્મ રજૂ થયા બાદ સિદ્ધાર્થ યશરાજ બેનરનો સૌથી ખાસ દિગ્દર્શક બની ગયો છે. હવે તેની આગામી ફિલ્મ ટાઈગર વર્સિસ પઠાણ છે અને તે માટે સિદ્ધાર્થને રૂા. 40 કરોડ આપવામાં આવશે. ફિલ્મોદ્યોગમાં અત્યાર સુધી કોઈ દિગ્દર્શકને આટલી મોટી રકમ મળી નથી. નોંધનીય છે કે વૉર -ટુ માટે સિદ્ધાર્થને રૂા. 32 કરોડ મળ્યા હતા. 

યશ રાજ બેનર જ ટાઈગર ફ્રેંચાઈઝીની ફિલ્મ બનાવે છે. હવે તેની સાથે પઠાણને જોડીને ટાઈગર વર્સીસ પઠાણનું નિર્માણ કરવામાં આવે છે. આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મમાં સલમાન ખાન ટાઈગર અને શાહરુખ ખાન પઠાણની ભૂમિકામાં હશે. આ બંને કલાકારો સાથે હીરોઈન તરીકે અનુક્રમે કેટરિના કૈફ અને દીપિકા પદુકોણ હશે. હાલમાં આ ચારે કલાકારો બૉલીવૂડના સુપરસ્ટાર છે અને તે બધાને એકસાથે એક ફિલ્મ માટે દિગ્દર્શિત કરવા એ મોટી જવાબદારી છે.