બી. આર. ચોપરાની મહાભારત સિરિયલમાં શકુનિમામાની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુફી પેન્ટલની તબિયત લથડી છે. 78 વર્ષના ગુફી છેલ્લાં થોડા સમયથી બીમાર હતા. હવે તબિયત વધુ કથળતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટેલિવિઝન અભિનેત્રી ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર તેમની તસવીર મૂકી છે અને ચાહકોને પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
ગુફી ફરિદાબાદ ગયા હતા અને ત્યાં તબિયત બગડી હતી. આથી તેમને ત્યાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, તબિયતમાં ખાસ સુધારો ન થતાં તેમને મુંબઈ લાવીને અંધેરી બેલેવ્યુ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હવે તબિયતમાં થોડો સુધારો થયો છે અને તેઓ ભાનમાં આવ્યા છે. તેમને કિડની સહિત અન્ય અંગોની સમસ્યા છે અને પુત્ર તેમની સાથે રહે છે. 1980ના દાયકામાં ગુફીએ અનેક ટીવી સિરિયલમાં અભિનય કર્યો હતો. મહાભારત સિરિયલમાં શકુનિમામાની ભૂમિકા બાદ તેમને આગવી ઓળખ મળી હતી.