• મંગળવાર, 06 જૂન, 2023

કરણ જોહર દિગ્દર્શિત ઍક્શન ફિલ્મમાં ટાઈગર શ્રોફ-વરુણ ધવન  

ફિલ્મમેકર કરણ જોહરે ફરી દિગ્દર્શનની ધુરા સંભાળી છે. હાલમાં તેણે રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનું દિગ્દર્શન કર્યું છે અને હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. ત્યાં કરણે ટ્વીટર પર આગામી ફિલ્મનો સંકેત આપ્યો છે. પચીસમી મેએ કરણનો જન્મદિન છે. આ દિવસથી તે ફિલ્મમેકિંગની નવી યાત્રા શરૂ કરવાનો છે. અત્યાર સુધી તેણે રોમાન્ટિક અને ફૅમિલી ડ્રામા ધરાવતી ફિલ્મો બનાવી છે. હવે તે એક્શન ફિલ્મો પર હાથ અજમાવવાનો છે. પચીસ વર્ષથી તે એકસરખી ફિલ્મો બનાવે છે પણ હવે તેને નવો પ્રયોગ કરવો છે. પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે અને કરણ ફિલ્મ બનાવવામાં હથોટી ધરાવે છે એટલે તેના માટે આ બદલાવ ખાસ મુશ્કેલ નહીં હોય. તેણે ટાઈગર શ્રોફ અને વરુણ ધવનને લેવાનો નિર્ણય કર્યો છે. ટાઈગરે હીરોપંતી, બાગી અને વૉર ફિલ્મમાં અદ્ભુત સ્ટંટ દૃશ્યો આપીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. જ્યારે વરુણને તો કરણે જ લૉન્ચ કર્યો હતો અને તેણે એક્શન, ડ્રામા તથા કૉમેડી એમ દરેક પ્રકારની ફિલ્મો કરી છે. ટાઈગર અને વરુણની સામે કઈ અભિનેત્રીને લેવામાં આવે તે વિશેનો નિર્ણય કરણે લીધો નથી.