• સોમવાર, 04 માર્ચ, 2024

રબ સે હૈ દુઆમાં બાવીસ વર્ષનો લીપ  

ઝી ટીવી પર પ્રસારિત થતી સિરિયલ રબ સે હૈ દુઆમાં બાવીસ વર્ષનો લીપ આવવાનો હોવાથી સિરિયલની સ્ટારકાસ્ટમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. લીપ બાદ દુઆનું પાત્ર રેમોન કક્કડ ભજવતી જોવા મળશે. સિરિયલમાં તે પરિવારનો બિઝનેસ સંભાળતા દીકરીઓનું ધ્યાન રાખતી પણ જોવા મળશે. દુઆ અને હૈદરની દીકરી મન્નત અને હૈદર અને ગઝલની દીકરી ઈબાદતની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એક કરતાં વધુ પત્નીઓ રાખવાની મંજૂરી આપતા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે દુઆની બંને દીકરીઓ અજાણતાં એક વ્યક્તિ સુભાનના પ્રેમમાં પડે છે. સિરિયલમાં સુભાનનું પાત્ર ધીરજ ધૂપર ભજવશે. પ્રતિભાશાળી અભિનેત્રી સીરત કપૂર મન્નત અને યેશા રુઘાની ઈબાદતનું પાત્ર ભજવતી નજરે ચડશે. સાવકી બહેનો વચ્ચેના સારા સંબંધો હોવા છતાં પ્રેમ અને જીવન પ્રત્યેનો તેમનો અભિગમ અલગ હોય છે.

સીરત કપૂરે જણાવ્યું હતું કે, હું મન્નતનું પાત્ર ભજવવા ઉત્સાહિત છું. તે બહુ બોલકી, બિનધાસ્ત અને આઝાદી પસંદ કરતી છોકરી છે. તેની સાવકી બહેન કરતાં તદ્દન વિરોધાભાસી સ્વભાવ ધરાવે છે. ક્રીન પર પાત્રને રજૂ કરવા હું આતુર છે. મને આશા છે કે દર્શકોને મારું પાત્ર પસંદ આવશે.

યેશા રૂઘાણીએ પણ તેના પાત્ર વિશે જણાવ્યું હતું કે, ઈબાદત આત્મવિશ્વાસુ અને આદર કરનારી છોકરી છે અને તે તેની માતા દુઆ જેવી બનવાની ઈચ્છા ધરાવે છે. મને ખુશી છે કે ઈબાદતનું પાત્ર મને ભજવવાનો મોકો મળ્યો અને ધીરજ ધૂપર, રેમન ઠક્કર અને સીરત કપૂર જેવા કલાકારો સાથે કામ કરવાનો અવસર મળ્યો. મારી કારકિર્દી માટે મહત્ત્વપૂર્ણ પાત્ર સાબિત થશે.