• સોમવાર, 04 માર્ચ, 2024

પરશુરામના પાત્ર માટે વિશેષ તૈયારીઓ કરી : વિશાલ આદિત્ય સિંહ  

સ્ટાર ભારત પર તાજેતરમાં શરૂ થયેલી સિરિયલ ભગવાન પરશુરામમાં પરશુરામની અતુલ્ય મહિમાને પહેલી વાર ટીવી પર દર્શાવવામાં આવી રહી છે ત્યારે તેમનું પાત્ર ભજવી રહેલા અભિનેતા વિશાલ આદિત્ય સિંહે પાત્રની તૈયારી વિશે અને સિરિયલમાં થઈ રહેલા અનુભવ વિશે જણાવ્યું હતું કે, પરશુરામ ભગવાનનું પાત્ર ભજવવાની તક મળી તે બદલ હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું. પરશુરામ ભગવાનના જીવનનું ચિત્રણ ટીવી પર પહેલી વાર થઈ રહ્યું છે. આમ ઘણી આધ્યાત્મિક સિરિયલોને પ્રસારિત કરવામાં આવી છે, પરંતુ પરશુરામ ભગવાનના જીવન વિશે મને દર્શકોને અવગત કરાવવાનો મોકો મળ્યો તેનાથી વિશેષ મારા માટે શું હોઈ શકે? આજે પણ ઘણા લોકો તેમના જીવનના મહત્ત્વપૂર્ણ યોગદાન વિશે અજાણ છે. તેમના પાત્રની તૈયારી માટે મેં ઘણાં પૌરાણિક પુસ્તકો વાંચ્યાં હતાં, જેથી હું મારા પાત્રની તૈયારી કરી શકું અને પાત્રને ન્યાય આપી શું. માટે મેં ત્રણથી ચાર કિલો વજન પણ ઘટાડયું હતું. મારું લૂક પણ પાત્રને વધુ વાસ્તવિક બનાવે છે, જે મને પણ ભગવાન પરશુરામની વાર્તા જાણવા અને તેનો હિસ્સો બનવા માટે આતુર કરે છે.