• બુધવાર, 17 એપ્રિલ, 2024

હીરાની ગેરકાયદે આયાત મામલે કંપનીના સંચાલકની ધરપકડ   

મુંબઈ, તા. 25 : વધતી કિમંતોમાં હીરાની આયાત કરતી કંપનીના સંચાલકની કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. આરોપી સંચાલકની આ અગાઉ ડીઆરઆઈ ગુજરાતે ધરપકડ કરી હતી. તે કેસમાં જામીન ઉપર બહાર આવ્યા બાદ આરોપી સંચાલકે ફરી ગેરરીતિ શરૂ કરી તેવા જ પ્રકારનો ગુનો કર્યો હતો. 

મે. રામપુરિયા એકસ્પોર્ટસ પ્રા.લિ.એ રૂા. 19.70 કરોડના હીરાની આયાત કરી હતી. સંબંધિત હીરા ચઢતા ભાવે આયાત કરાયા હોવાની માહિતી કસ્ટમ વિભાગને મળ્યા બાદ આ મામલે ત્રિસભ્ય કમિટીએ હીરાની તપાસ કરી હતી. જેની કિંમત રૂા. 13.29 કરોડ હોવાનું સામે આવ્યું હતું. બજાર કરતા રૂા. 6.41 કરોડ વધુની કિમંત દાખવીને હીરા આયાત થઈ રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યા બાદ કસ્ટમ વિભાગે કંપનીના અૉપેરા હાઉસ વિસ્તારમાંના કાર્યાલયમાં છાપેમારી કરી હતી. અહીંથી તપાસ ટીમને 1,068  કેરેટના હીરા તથા કેટલાક કાચા સ્વરૂપના હીરા મળી આવ્યા હતા. આ હીરાની ખરીદી બાબતે કોઇપણ પ્રકારના દસ્તાવેજો નહોતા. તેનું મૂલ્યાંકન કરાયા બાદ કંપનીના સંચાલક સાગર શાહની ધરપકડ કરાઈ હતી. 

આરોપી સંચાલકે આયાત કરેલા હીરા તેની માલિકીના નહોતા માત્ર તેમનો આયાત-નિકાસ કોડ વાપરીને તેમાં તેમને 0.3 ટકાનું કમિશન ચૂકવાયું હતું. આ મામલે કસ્ટમ વિભાગે કસ્ટમ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ સૂરત સેઝથી અન્ય ઠેકાણે ગેરકાયદે હીરાની હેરફેર કરવાના આરોપ હેઠળ સાગર શાહની ડીઆરઆઇએ ધરપકડ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક