• શુક્રવાર, 29 માર્ચ, 2024

મફત વીજળીના ચૂંટણી વચનને પગલે કર્ણાટકમાં ઈલેક્ટ્રિક સગડીની માગમાં વધારો   

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 25 : રાજકીય પક્ષોએ આવેલાં ચૂંટણીનાં વચનોની વિવિધ બજાર અને પ્રોડક્ટ્સ પર અસર જોવા મળે છે. કર્ણાટકમાં ચૂંટણી અગાઉ કૉંગ્રેસે જે વચનો આપ્યાં હતાં એમાં 200 યુનિટ્સ મફત વીજળી પૂરી પાડવાના વચનનો સમાવેશ થતો હતો. હવે કર્ણાટકમાં કૉંગ્રેસ સત્તા પર આવી ગઈ છે. ત્યાંના લોકોનું માનવું છે કે હવે કૉંગ્રેસની સરકાર ચૂંટણીમાં આપેલાં વચનો પૂરાં કરશે. એમાં એક વચન 200 યુનિટ મફત વીજળી આપવાનું હતું.

આ કારણથી હવે કર્ણાટકનાં નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારના લોકો રસોઈ માટે ગૅસ વાપરવાને બદલે ઈલેક્ટ્રિક સગડી વાપરવાનો પ્લાન કરી રહ્યા છે. ગૅસનાં સિલિન્ડરના ભાવ ઊંચા લેવલે છે અને એમાં સતત વધારો પણ થાય છે. એની સામે જો વીજળીથી ચાલતી સગડી, ઈન્ડક્શન સ્ટવનો વપરાશ કરવામાં આવે તો એ મફતમાં પડે અથવા સસ્તું પડે. કારણ કે 200 યુનિટ વીજળી સરકાર મફત આપવાની છે. 

કર્ણાટકમાં ઈલેક્ટ્રિક સગડીનું વેચાણ કરતાં વેપારીઓ અને ડીલરોએ જણાવ્યું હતું કે, ચૂંટણીનાં પરિણામો બાદ ઈલેક્ટ્રિક સગડીના વેચાણમાં વધારો થયો છે. એમનું માનવું છે કે મફત વીજળીના નિર્ણયનો અમલ શરૂ થયા બાદ ઈલેક્ટ્રિક સગડીના  વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની અપેક્ષા છે. અગાઉ નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી ઈલેક્ટ્રિક સગડીની માગ સહેજ પણ ન હતી, પરંતુ હવે વેચાણ વધી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક