• મંગળવાર, 06 જૂન, 2023

મુંબઈમાં નિર્ધારિત સમય પહેલાં નાળાસફાઈનું કામ પૂરું : પાલિકાનો દાવો  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 25 : મુંબઈમાં ચોમાસા પૂર્વે હાથ ધરવામાં આવતી કામગીરી અંતર્ગત નાળાસફાઈનું કામ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ થયું હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ પાલિકાએ 31મી મે સુધી નાળાસફાઈનું કામ પૂરું કરવાનું લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું.

મુંબઈમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિર્માણ ન થાય તે માટે વરસાદ પહેલા પાલિકા પ્રશાસન દ્વારા છઠ્ઠી માર્ચથી નાળાસફાઈનું કામ હાથ ધરવામાં આવે છે. મુંબઈના નાળાઓમાંથી 9,84,927 મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો છે. નિર્ધારિત સમયના એક અઠવાડિયા પહેલા આ કામ પૂર્ણ થયું હોવાનું પાલિકાના એડિશનલ કમિશનરે જણાવ્યું હતું. નાળાસફાઈ બાદ પાલિકાએ નાગરિકોને નાળાઓમાં કચરો ન ફેંકવાની વિનંતી કરી છે.