• મંગળવાર, 06 જૂન, 2023

રાજ્યમાં 91.25 ટકા વિદ્યાર્થી પાસ, મુંબઈનું પરિણામ સૌથી ઓછું  

મહારાષ્ટ્ર બોર્ડના બારમાનાં પરિણામ જાહેર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા ગુરુવારે બારમાનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ વખતે રાજ્યનું પરિણામ 91.25 ટકા આવ્યું છે. ગયા વર્ષે બારમાનું પરિણામ 94.22 ટકા રહ્યું હતું અને આ વર્ષે 2.97 ટકાનો ઘટાડો નોંધાયો છે. કોંકણ વિભાગનું પરિણામ સૌથી સારું 96.1 ટકા આવ્યું છે ત્યારે મુંબઈનું પરિણામ સૌથી ઓછું 88.13 ટકા નોંધાયું છે. આ વર્ષે રાજ્યમાં 7696 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે ત્યારે 35થી 45 ટકા મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1763 છે. નોંધનીય છે કે ગયા વર્ષે 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા, એવું સ્ટેટ બોર્ડના અધ્યક્ષ શરદ ગોસાવીએ જણાવ્યું હતું. બારમાનાં પરિણામ જાહેર થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને એનસીપી નેતા અજિત પવારે વિદ્યાર્થીઓને ટ્વીટરના માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા અને પરીક્ષા પાસ ન કરનારા વિદ્યાર્થીઓને નિરાશ ન થવાની સલાહ આપી હતી.

આ વર્ષે પરિણામ ઓછું આવવાનું કારણ

આ વર્ષે બોર્ડનું પરિણામ ઓછું આવવાના કારણ વિશે ગોસાવીએ જ્ણાવ્યું હતું કે, વર્ષ 2021-22ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 100 માર્કની પરીક્ષા માટે અડધો કલાક વધુ આપવામાં આવ્યો હતો. તે પરીક્ષા 75 ટકા અભ્યાસક્રમના આધારે લેવામાં આવી હતી. આ વર્ષે 100 ટકા અભ્સાસક્રમની પરીક્ષા લેવામાં આવી હતી અને કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવ્યો નહોતો.

પાંચ વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

આ વર્ષે બારમાની પરીક્ષા માટે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ 14,28,194 વિદ્યાર્થીઓએ નોંધણી કરી હતી, જેમાંથી 14,16,371 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તે પૈકી 12,92,468 વિદ્યાર્થી પાસ થયા હતા. 35,879 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપી હતી તે પૈકી 15,775 વિદ્યાર્થી પાસ થયા હતા. આ ઉપરાંત, 29,526 ખાનગી વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષા માટે 6113 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પૈકી 5673 વિદ્યાર્થી પાસ થયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષાનાં પરિણામોમાં ગર્લ પાવર દેખાયો હતો. 93.73 ટકા વિદ્યાર્થિનીઓ સામે 81 ટકા વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી છે.

પુનર્મૂલ્યાંકન માટે પાંચમી જૂન સુધી કરી શકાશે અરજી

જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી શક્યા નથી અથવા જે વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે તેમની પરીક્ષા સારી ગઈ હતી, પરંતુ માર્ક્સ સંતોષકારક નથી તો તેઓ પોતાના પેપર્સનું પુનર્મૂલ્યાંકન કરાવી શકે છે. આ માટે વિદ્યાર્થીઓને http://verification.mh-hsc.ac.in સાઈટ પર સવિસ્તર માહિતી આપવામાં આવી છે. આ પ્રક્રિયા માટેની ફી વિદ્યાર્થીઓ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અથવા નેટ બૅન્કિંગના માધ્યમથી ભરી શકશે. વિદ્યાર્થીઓ પુનર્મૂલ્યાંકન માટે પાંચમી જૂન સુધી અરજી કરી શકશે. આ માટે પ્રતિ વિષય માટે 50 રૂપિયા ફી બોર્ડને ચૂકવવી પડશે. વિદ્યાર્થીઓને ઉત્તરવહીની કૉપી ઈ-મેઈલ અથવા પોસ્ટના માધ્યમથી પહોંચાડવામાં આવશે. તે માટે વિદ્યાર્થીઓને સંબંધિત ડિવિઝન બોર્ડ પાસે 14 જૂન સુધી અરજી કરવી આવશ્યક છે. ઉત્તરવહીની ફોટોકૉપી માટે પ્રતિ વિષય માટે 400 રૂપિયાની ફી બોર્ડને જમા કરાવવી પડશે. જે વિદ્યાર્થીઓને જુલાઈમાં થનારી સપ્લિમેન્ટરી પરીક્ષામાં બેસવું હોય તેમને 29 મે સુધીમાં બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરવી આવશ્યક છે.

યજ્ઞ ચંદકને ત્રણ વિષયોમાં 100 માર્ક

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના બારમા ધોરણના વિદ્યાર્થીઓના ગુરુવારે બપોરે બે વાગ્યે પરિણામ જાહેર થયા છે. જેમાં યજ્ઞ લલિત ચંદકને 96.33 ટકા આવ્યા છે. યજ્ઞએ ફ્રેંચ ભાષા, અકાઉન્ટસ અને ગણિત એમ ત્રણ વિષયોમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. કુલ 600 માર્કમાંથી યજ્ઞને 578 માર્ક મળ્યા છે. બોર્ડ દ્વારા લેવાયેલી બારમા ધોરણની પરીક્ષામાં રાજ્યભરમાંથી 12.57 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં 7.92 લાખ વિદ્યાર્થી અને 6.64 લાખ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.