• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

કલ્યાણથી બદલાપુર દરમિયાન ત્રીજા-ચોથા કોરિડોર માટે વન વિભાગની લીલી ઝંડી  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 5 : કલ્યાણથી બદલાપુર દરમિયાન બે નવા કોરિડોરના નિર્માણ માટે વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાથી આ રૂટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓની મુશ્કેલીનો અંત આવશે, એવું રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.

કલ્યાણ-બદલાપુર રૂટમાં ત્રીજા-ચોથા કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત આ 15 કિમીના રૂટ પર ચાર રેલવે ફ્લાયઓવર, 49 બ્રિજનું નિર્માણ કરવામાં આવશે અને નવી લાઈન માટે રૂા. 1510 કરોડનો ખર્ચ અપેક્ષિત હોવાનું કહેવાઈ રહ્યું છે. નવા કોરિડોરના નિર્માણ માટે વન વિભાગના ક્ષેત્રમાં આવેલી 0.252 હેક્ટર જમીન રેલવેને ફાળવવામાં આવે તેવો પ્રસ્તાવ રેલવે દ્વારા રાખવામાં આવ્યો હતો. વન વિભાગે પ્રોજેક્ટના પહેલા તબક્કાને મંજૂરી આપી હોવાથી જમીન ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ના અધિકારીએ જણાવ્યું હતું.

દસ ગામની 10.45 હેક્ટર અને ખાનગી જમીન અને 3.17 હેક્ટર સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા થાણે જિલ્લાધિકારી કાર્યાલય તરફથી શરૂ કરવામાં આવી છે. આ રૂટ પર નિર્માણ થનારી નવી રેલવેલાઈનની હદમાં આવતા 49 બ્રિજ પૈકી 44 બ્રિજના ડ્રાફ્ટ મંજૂર કરવામાં આવ્યા હોવાથી 25 બ્રિજના કામ કરવા માટે રેલવે સેફ્ટી કમિશનરની મંજૂરી પણ મળી છે. 

ટૂંક સમયમાં બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે. કોરિડોરના પૂર્વ અને પશ્ચિમ દિશામાં સેફ્ટી વૉલના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને કારણે 700 ઘર પ્રભાવિત થશે. તેથી તેમના પુનર્વસનની જવાબદારી એમએમઆરડીએ પ્રશાસને લીધી છે. આ પુનર્વસન થયા બાદ પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂર્ણ થશે તે કહી શકાશે. જોકે, રેલવે અધિકારીઓ આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. એટલે કે પ્રવાસીઓને કલ્યાણ-બદલાપુર રૂટ પર બે નવી રેલવેલાઈન માટે વધુ ચાર વર્ષની રાહ જોવી પડશે.