• સોમવાર, 04 માર્ચ, 2024

પાણીપુરી ખાતાં ખાતાં મહિલાને જોવું ભારે પડયું : મહિલાની મારઝૂડ કરીને હત્યા

મુંબઈ, તા. 28 : થાણેના કલવામાં ત્રણ આરોપી મહિલાઓએ માત્ર સ્મિત આપનાર મહિલાની મારઝૂડ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. આરોપી મહિલાઓને માત્ર શંકા હતી કે તે મહિલા તેમને જોઇને હસી રહી છે. એ જ વાતમાં વિવાદ થયો હતો અને તે હત્યા સુધી પહોંચી ગયો હતો. કલવા પોલીસે આ મામલે રેણુકા બોંદ્રે, અંજના રાયપુરે અને લક્ષ્મી ગાડગે વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રેણુકા મૃતક મુકતા કલશેની ભૂતપૂર્વ ભાભી છે. 

પોલીસ અનુસાર મુકતા પોતાની માતા અને ભાઇ સચીન સાથે કલવાના જય ભીમ નગરમાં રહેતી હતી. રેણુકાનો વિવાદ મુકતાના ભાઇ રાહુલ સાથે થયો હતો. બે વર્ષ પહેલાં રાહુલનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ રેણુકાએ એ જ વિસ્તારમાં રહેતા બીજા યુવાન સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ રેણુકાનો આ પરિવાર સાથે સંબંધ પૂર્ણ થયો હતો. મુકતાની બહેન દિવાળીમાં ઘરે આવી હતી. 

23મી નવેમ્બરે મુકતા તેની બહેન સાથે પરિસરમાં પાણીપુરી ખાઇ રહી હતી ત્યારે બંને વાતચીત કરીને હસી રહ્યાં હતાં અને તે જ સમયે બાજુમાંથી રેણુકા પસાર થઇ હતી અને તેને લાગ્યું હતું કે બંને બહેનો તેની વાતો કરીને હસી રહી છે અને તેની ટિખ્ખળ કરી રહી છે. બસ એ જ વાતે વિવાદ થયો હતો. મુકતાએ રેણુકાને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નહોતી માની. રેણુકાએ ત્યારે જ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

બીજા દિવસે સવારે મુકતા જાહેર શૌચાલય ગઇ હતી ત્યારે રેણુકા તેની બંને બહેનો લક્ષ્મી અને અંજના સાથે ત્યાં આવી હતી અને મુકતાની મારઝૂડ કરી હતી. મુકતાને બચાવવા તેની માતા આવી ત્યારે તેની પણ પીટાઇ કરવામાં આવી હતી. લક્ષ્મીએ મુકતાનું માથું જમીન ઉપર અફાળ્યું હતું અને લોહીલુહાણ કરી હતી. ઇજાગ્રસ્ત મુકતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. 

કલવા પોલીસે ત્રણ આરોપી મહિલાઓ વિરુદ્ધ મારઝૂડનો કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી. ઇજાગ્રસ્ત મુકતાની સારવાર કલવાસ્થિત હૉસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે મારઝૂડના કેસને હત્યામાં રૂપાંતર કરીને વધુ તપાસ હાથ ધરી છે.