• સોમવાર, 04 માર્ચ, 2024

જાહેર ભરણાંમાં હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરોએ લોન લઈને રોકાણ કર્યું

25 ટકા જેટલા રોકાણકારોએ 6200 કરોડ રૂપિયાની લોન લીધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : ગયા સપ્તાહમાં જે પાંચ કંપનીઓનાં જાહેર ભરણાં બજારમાં આવ્યાં હતાં એમાંથી ચાર કંપનીઓના ઇસ્યૂને રોકાણકારો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો.

બજારમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ હાઈ નેટવર્થ ધરાવતા રોકાણકારો (શ્રીમંત રોકાણકારો)એ ચાર કંપનીઓનાં ભરણાંમાં જે કુલ રોકાણ કર્યું છે એમાંથી 25 ટકા રોકાણ ફાઇનેન્સ કંપનીઓ તેમ જ બૅન્કો પાસેથી ધિરાણ લઈને કર્યું છે.

કુલ રોકાણ રૂ. 2.50 લાખ કરોડ

બજાર સાથે સંકળાયેલ વર્ગના જણાવ્યા મુજબ ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ, ગાંધાર અૉઇલ રિફાઇનરી, તાતા ટેક્નૉલૉજીસ અને ઇન્ડિયા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઈઆરઈડીએ) આ ચાર કંપનીઓનાં જાહેર ભરણાંમાં હાઈ નેટવર્થ ધરવતા રોકાણકારોએ રૂા. 2.50 લાખ કરોડનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે. એમાંથી રૂા. 6200 કરોડનું રોકાણ લોન લઈને કરવામાં આવ્યું છે. હાઈ નેટવર્થવાળા રોકાણકારોએ ઓછામાં ઓછી રૂા. 10 લાખની બિડ કરવી પડે છે.

સામાન્ય રીતે જાહેર ભરણાં માટે બજાજ ફાઇનાન્સ અને જેએમ ફાઇનેન્સિયલ મોટા પાયે ફાઇનાન્સ પૂરી પાડે છે.

જાહેર ભરણાં માટે જે લોન આપવામાં આવે છે એના પર સામાન્ય રીતે 13થી 24 ટકા વ્યાજ ચૂકવવું પડે છે.

કેટલી લોન લીધી ચાર જાહેર ભરણાંમાં હાઈ નેટવર્થ રોકાણકારોએ કેટલી લોન લીધી હતી એની વિગત જોઇએ.

માર્કેટમાંથી મળતી માહિતી મુજબ ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ માટે આ ઇન્વેસ્ટરોએ રૂા. 438.42 કરોડ, ગાંધાર અૉઇલ રિફાઇનરી માટે રૂા. 628.50 કરોડ, તાતા ટેક્નૉલૉજીસ માટે રૂા. 3801.32 કરોડ અને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી માટે રૂા. 1336.87 કરોડની લોન લેવામાં આવી હતી.