• સોમવાર, 04 માર્ચ, 2024

દહિસરની ચાલમાં રહેતા લોકો બે શ્વાનથી પરેશાન

મુંબઈ તા. 28 : દહિસર ઇસ્ટની આવેલી દુબે ઍન્ડ તિવારી ચાલના રહેવાસીઓ છેલ્લા એક મહિનાથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ વિસ્તારની સાંકડી ગલીમાં જ પડયાં રહેતાં શ્વાનો પૈકી બે શ્વાનોએ આવતાં જતાં લોકો, નિશાળે જતા નાનાં બાળકો, ફેરિયાઓ ઉપરાંત સ્થાનિક લોકોને કરડવાનું શરૂ કરી દીધું છે. છેલ્લાં એક જ મહિનામાં અંદાજે પંચાવનથી વધુ લોકોને શ્વાનો કરડયાં છે. આ મામલે ત્યાંના રહેવાસીઓએ સુધરાઈ તેમજ અન્યોને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. કાંતિ વિઠ્ઠલાણી નામના સિનિયર સિટિઝન પર તો 14મી તારીખે દિવાળીના નવા વર્ષના દિવસે સવારે ત્રણ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. એમનો રોજનો જ રસ્તો હોવા છતાં વહેલી સવારે અંધારું હોવાથી શ્વાનોએ હુમલો કર્યો હોવાનું એમનું માનવું છે. આ ઘટના બાદ એમણે પાંચ ઇંજેકશન લેવા પડયા હતા. ભરત કવા નામના આ ચાલીમાં જ રહેતા સિનિયર સિટિઝનને પણ શ્વાન કરડયો હતો. એમના જણાવ્યા પ્રમાણે અહીં રહેતા એક નર અને માદા શ્વાન આવતાં-જતાં લોકોને કરડે છે. તેમજ અહીંથી થોડે દૂર આવેલી મીનળ પાર્ક સોસાયટીમાંથી આવતી એક માદા શ્વાન પણ અહીં આવીને લોકોને કરડે છે. આ જ ચાલમાં રહેલા સંજય ખાનવિલકરને પણ શ્વાન કરડયો હતો. 

વર્ષોથી આ ચાલમાં રહેતા સંતોષ રાઉતે કહ્યું હતું કે શ્વાનના ડરને કારણે હું મારી પાંચ વર્ષની દીકરીને ઘરની બહાર રમવા માટે પણ મોકલતો નથી. બધી જગ્યાએ રજૂઆત કરી હોવા છતાં અમારી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આસપાસના વિસ્તારમાં પક્ષી તેમજ પ્રાણી પ્રેમી તરીકે જાણીતા મૂળચંદ ભેટાએ કહ્યું હતું કે નર શ્વાનને તો મેં નાનાથી મોટો થતો જોયો છે, પણ હવે ખરેખર એ શ્વાન માણસનું લોહી ચાખી ગયો છે. 

રોજના ચાર લોકોને કરડે છે. હું પણ ઇચ્છું છે કે સુધરાઈ આ નર શ્વાનને અન્ય કોઈ સ્થળે લઈ જાય. કારણ કે સોસાયટીના રહેવાસી ઘણી વખત મારી સામે ગુસ્સો ઠાલવે છે. એનો ખર્ચ પણ સોસાયટી આપવા તૈયાર છે. મલાડ વેસ્ટમાં આવેલી શ્વાનના સમસ્યા સબંધી સુધરાઈના અધિકારી મંગેશ પવારે જણાવ્યું હતું કે અમે શ્વાનની નસબંધી કરીએ વળી,

જો શ્વાન કરડતો હોય તો એને પકડીને અમે હડકવા વિરોધી રસી આપીએ છીએ. જો શ્વાનને હડકવા થયો હોય તો 15 દિવસ સુધી એને રાખીએ છીએ. 

જોકે, નિયમ મુજબ અમારે એ શ્વાનને ફરી પાછો એ જ જગ્યાએ છોડી મૂકવો પડે છે.