• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

વિમાનોનાં પાર્કિંગ માટે `ટૅક્સી-વે ઝેડ'ની સુવિધા  

મુંબઈ ઍરપોર્ટ બન્યું આ સુવિધા આપનારું એશિયાનું પ્રથમ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : દેશના સૌથી વ્યસ્ત ઍરપોર્ટ્સની યાદીમાં બીજા ક્રમાંકે આવતા છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર વિશેષ `ટૅક્સી-વે ઝેડ' પર વિમાન પાર્ક કરવામાં આવશે. આ માટે વિશેષ `ટૅક્સી-વે ઝેડ' બનાવવામાં આવ્યો હોવાથી રનવે પર અવરજવર કરનારા વિમાનનો સમય બચશે. આવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરનારું આ એશિયાનું પહેલું ઍરપોર્ટ છે. 

ઍરપોર્ટ પર વિમાન રનવે પર ઉતર્યા બાદ ટૅક્સી-વે ઝેડ મારફતે સીધું ઍરપોર્ટ જઈ શકશે. ટૅક્સી-વે ઝેડ પર વિમાન ખાલી પાર્ક થઈ શકશે. મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ લિમિટેડ (મિઆલ) અનુસાર, ટૅક્સી-વે ઝેડ મુખ્યત્વે વિમાનોની એન્ટ્રી અને એક્ઝિટના સમયને બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા તથા ફ્લાઈટને નિર્ધારિત સમયે ટેકઅૉફ કરવામાં મદદ મળશે.

મુંબઈ ઍરપોર્ટ પર હાલમાં 108 વિમાન પાર્ક કરવાની જગ્યા છે. ઉનાળું વૅકેશનને કારણે પ્રવાસીઓની સંખ્યાની સાથે ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી એક કલાકમાં સરેરાશ 40થી 42 વિમાનની અવરજવર થઈ રહી છે. મુંબઈ ઍરપોર્ટ પર એક જ સમયે આટલી મોટી સંખ્યામાં વિમાનની અવરજવર થતી હોવાથી તે દુનિયાનું સૌથી વ્યસ્ત ઍરપોર્ટ છે. તેથી ટૅક્સી-વે ઝેડની મદદથી ફ્લાઈટ્સના સંચાલનમાં થોડું વધુ સરળ રહેશે.