• શુક્રવાર, 29 માર્ચ, 2024

કાંદાની નિકાસ વધીને છ વર્ષના ઊંચા લેવલે  

વર્ષ 2022-23માં નિકાસ 64 ટકા વધીને 25.25 લાખ ટન થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : કાંદાની નિકાસ વર્ષ 2022-23માં વધીને છ વર્ષના ઊંચા સ્તરે પહોંચી  છે.  વર્ષ 2022-23માં જથ્થાની દષ્ટિએ કાંદાની નિકાસ 64 ટકા વધીને 25.25 લાખ ટન થઈ છે, જે ગયા વર્ષે 15.37 લાખ ટન થઈ હતી. મૂલ્યની દૃષ્ટિએ કાંદાની નિકાસ વર્ષ 2022-23માં 22 ટકા વધીને 56.11 કરોડ ડૉલરની થઈ છે, જે ગયા વર્ષે 46 કરોડ ડૉલરની થઈ હતી.

બાંગ્લાદેશ, મલેશિયા, યુએઈ અને શ્રીલંકા જેવા મોટા ગ્રાહકોએ કાંદાની વધારે ખરીદી કરી હોવાથી નિકાસમાં વૃદ્ધિ થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષ 2022-23માં સ્પર્ધાનો અભાવ હતો તેમ જ વિદેશોમાં કાંદાની માગ વધી હતી એને પગલે નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

જો ફિલિપાઈન્સે ભારતના કાંદાની ખરીદી કરી હોત તો નિકાસમાં હજી વધુ વધારો થયો હોત. ફિલિપાઈન્સે ચીનથી કાંદાની આયાત કરવાનું પસંદ કર્યું હતું. આ વર્ષે પણ કાંદાની નિકાસમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. જોકે, કમોસમી વરસાદને કારણે કાંદાના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ છે. સૌથી વધુ ખરીદી શ્રીલંકાની વર્ષ 2022-23માં ભારતીય કાંદાની સૌથી વધુ ખરીદી શ્રીલંકાએ ભારતથી 6.70 લાખ ટન કરતા વધુ કાંદાની આયાત કરી હતી. યુએઈએ 4.03 લાખ ટન, મલેશિયાએ 3.93 લાખ ટન અને શ્રીલંકાએ 2.70 લાખ ટન કાંદાની ભારતથી આયાત કરી હતી. વર્ષ 2022-23માં મલેશિયાએ ભારતથી કાંદાની બમણી અને યુએઈએ ત્રણ ગણી આયાત કરી હતી.