• સોમવાર, 04 માર્ચ, 2024

મોટરમેન સહકર્મચારીના અંતિમ સંસ્કારમાં જતા શનિવારે 147 લોકલ ટ્રેનો રદ  

મુંબઈ, તા. 11 : શનિવારે સેન્ટ્રલ રેલવેના ઘણા મોટરમેન એકસાથે ગેરહાજર રહેતા પિકઅવર્સમાં 88 સહિત કુલ 147  લોકલ ટ્રેન રદ કરવામાં આવી હતી. ટ્રેન અકસ્માતમાં મરણ પામેલા મોટરમેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા તમામ સહકર્મચારીઓ ગયા હતા. શુક્રવારે ભાયખલા પાસે પ્રગતિ એક્સ્પ્રેસ સાથે અથડાઈ જવાને કારણે મુરલીધર શર્મા નામનો મોટરમેન મૃત્યુ પામ્યો હતો. એજ દિવસે સવારે 8 વાગે પનવેલથી કુર્લા આવી રહેલી હાર્બર લોકલ ચલાવતી વખતે એણે ડાંગેર પાસે સિગ્નલને કુદાવ્યું હતું. 

મોટરમેનના જણાવ્યાપ્રમાણે એમણે ઓવરટાઇમ કરવાની ના પાડતા ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું. તપાસ કરતા ખબર પડી કે મોટરમેન મુરલીધર પાટો ઓળંગવા જતા મરણ પામ્યો હતો. જોકે, યુનિયન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુરલીધર શર્મા માનસિક દબાણ હેઠળ હતો. શર્માના અંતિમસંસ્કાર સવારે 11 વાગે થવાના હતા, પરંતુ કોઈ સગાંવહાલાના આવવામાં વિલંબ થતા સાંજના પાંચ વાગ્યા બાદ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં 18 સર્વિસ રદ કરવામાં આવી હતી. મોટરમેન દ્વારા અંતિમ સંસ્કાર માટે જતા વધુ સર્વિસ રદ કરવાની ફરજ પડી હતી. દરમ્યાન સોમવારે પણ મધ્ય રેલવેનું સમયપત્રક ખોરવાઈ જવાની શક્યતા છે. 

રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે અમારા એક કર્મચારીના મરણનું અમને દુ: છે, પરંતુ યુનિયનના નેતાઓ વહીવટકર્તાઓ પર દબાણ નાખવાનો પ્રયાસ કરે છે, જેથી સિગ્નલ તોડનારાઓ પર અમે કાર્યવાહી કરીએ. લોકોની સલામતી અને સુરક્ષા માટે સિગ્નલ તોડનારાઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે. જોકે, બધી ધાંધલ ધમાલને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર બપોરે 3.40થી 4.15 સુધી કોઈ પણ ટ્રેન રવાના થઈ નહોતી અને કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી.