• સોમવાર, 04 માર્ચ, 2024

સારવાર માટે કયો ખર્ચ અને મહત્તમ કેટલો ખર્ચ જરૂરી છે તે વીમા કંપની નક્કી કરી શકે નહીં

વડોદરાના ગ્રાહક પંચે આપ્યો મહત્ત્વનો ચુકાદો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : તબીબી સારવાર માટે કયો ખર્ચ જરૂરી છે અને તેના માટે મહત્તમ કેટલી રકમ ચૂકવવી જોઈએ તે બાબત વીમા કંપની નક્કી કરી શકે નહીં એવો મહત્ત્વનો ચુકાદો ગુજરાતમાં વડોદરાના ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે આપ્યો છે.

ફરિયાદી મયૂર પરમારને મોતીબિન્દુની શત્રક્રિયા માટે રૂા. 1.64 લાખનું તબીબી ખર્ચનું બિલ ચૂકવવાનો આદેશ આપતા પંચે મુજબ જણાવ્યું છે. મયૂર પરમારે ડિસેમ્બર, 2022માં અને જાન્યુઆરી, 2023માં મોતીબિન્દુની શસ્ત્રક્રિયા કરાવી હતી તેના માટે રૂા. 1.64 લાખ સારવાર માટે ખર્ચ થયો હતો. અૉરિયેન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડે પરમારનો ક્લેઇમ આંશિક રીતે મંજૂર કરીને રૂા. 49,000 આપવાની તૈયારી દર્શાવી હતી. મોતીબિન્દુ માટે ખર્ચ વાજબી અને રાબેતા મુજબનો નથી. તેના પગલે પરમારે ફેબ્રુઆરી, 2023માં અૉરિયેન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ વડોદરા જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ પંચ (એડિશનલ)માં ફરિયાદ નોંધાવી હતી અને મોતીબિન્દુની શત્રક્રિયા માટેનો પૂરો તબીબી ખર્ચ આપવા માટેની સૂચના વીમા કંપનીને આપવાની વિનંતી કરી હતી.

બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી `પંચે' જૂન, 2023માં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, કયો ખર્ચ વાજબી અને રાબેતા મુજબ (પરંપરાગત કે નિયમ અનુસાર) છે તે વિશે પૉલિસીમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અલગ-અલગ હૉસ્પિટલ અને તબીબો તબીબી ખર્ચ પણ અલગ રીતે લે છે. તેથી વીમા કંપની સારવાર દરમિયાન કયો તબીબી ખર્ચ આવશ્યક છે તે નક્કી કરી શકે નહીં તેથી ગ્રાહક કે ફરિયાદીને સારવારનો કેટલો ખર્ચ મળવો જોઈએ તે નક્કી કરી શકે નહીં. વાજબી ખર્ચનો અર્થ આવશ્યક તબીબી સારવાર માટે થયેલો ખર્ચ થાય છે તેથી તેને વધુપડતો ખર્ચ કહી શકાય નહીં. મોતીબિન્દુની શત્રક્રિયા સામાન્ય પ્રકારની શત્રક્રિયા છે, પરંતુ તે કયો તબીબી કઈ હૉસ્પિટલમાં કરે છે અને કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરે છે તેના આધારે ખર્ચ થાય છે. પંચે પરમારને શેષ રૂા. 1.15 લાખ બે માસમાં નવ ટકા વ્યાજની રકમ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.