• સોમવાર, 04 માર્ચ, 2024

રતન તાતાના પ્રયત્નોથી બાંધવામાં આવેલી પ્રાણીઓની હૉસ્પિટલનું આવતા મહિને લોકાર્પણ  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : અગ્રણી ઉદ્યોગપતિ રતન તાતાએ આવતા મહિને દેશની સહુથી મોટી પશુઓ માટેની હૉસ્પિટલ મહાલક્ષ્મીમાં શરૂ કરવાની જાહેરાત કરી છે.

દેશમાં પશુઓની સારસંભાળ અંગેના ક્ષેત્રની અગ્રણી કંપનીઓ દિલ્હીની મેક્સપેટ્સ અને મુંબઈની પેટઝોનના વિલીનીકરણ દ્વારા મેક્સપેટ્સ હૉસ્પિટલ અને ક્લિનિકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડેસીફર માર્કેટ અનુસાર ભારતમાં પ્રાણીઓની સારસંભાળ અંગેના ઉદ્યોગનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 16.5 ટકા છે. પ્રાણીઓની સારસંભાળ અંગેના એકંદર ઉદ્યોગ દસ અબજ ડૉલરનો આંકડો પાર કરે એવી વકી છે. તેમાં પેટહેલ્થકેર ક્ષેત્રનો હિસ્સો 40થી 45 ટકા એટલે કે અમેરિકા અને ચીન જેટલો હશે. ભારતમાં ઇન્ડિયન પેટ ઇન્ડસ્ટ્રી જોઇન્ટ એડવાઇઝરી કાઉન્સિલના અંદાજ અનુસાર ક્ષેત્રનું આગામી પાંચ વર્ષ કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 20 ટકા કરતાં વધુ રહેવાનો અંદાજ છે. વર્ષ 2025 સુધીમાં તે 2.5 અબજ ડૉલર સુધી પહોંચશે.

હૉસ્પિટલમાં પ્રાણીઓની બીમારીના નિદાન અને દેશમાં પ્રથમવાર શત્રક્રિયાની સગવડ હશે. મેક્સપેટ્સના ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર અરુણ વાસુદેવને જણાવ્યું હતું કે, દેશમાં પ્રાણીઓના આરોગ્યની સારસંભાળની દિશામાં હૉસ્પિટલ સાચી દિશાનું પગલું બની રહેશે.