• સોમવાર, 04 માર્ચ, 2024

વીડિયો ગૅમ પાર્લરોને એનઓસીની જરૂર નહીં : મહારાષ્ટ્ર પોલીસ  

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્ર પોલીસે 29મી જાન્યુઆરીએ બૉમ્બે હાઇ કોર્ટને જણાવ્યું હતું કે વીડિયો ગેમિંગ પાર્લરોએ પોલીસના ના હરકત પ્રમાણપત્ર લેવાની કોઇ જરૂર નથી. કેસ મહારાષ્ટ્ર જુગાર રોકથામ અધિનિયમ હેઠળ આવે છે. રિટ અરજીના જવાબમાં પોલીસે જણાવ્યું હતું. અરજી સાઇ વીડિયો ગૅમ પાર્લરના માલિક અશોક ગોપાલ શેટ્ટી  અને હરીશ બાબુ શેટ્ટીએ કરી હતી, જેમાં દાવો કરાયો હતો કે વિના એનઓસી તેઓ સંચાલન કરી શકતા નથી. તેમની હેરાનગતિ થઇ રહી છે. તેમની પાસે મહારાષ્ટ્ર મનોરંજન શુલ્ક અધિનિયમ હેઠળનો પરવાનો વર્ષ 2002થી છે. તેમણે સમયસર કર ચૂકવ્યો હોવા છતાં પોલીસ દ્વારા તેમની હેરાનગતિ થઇ રહી છે. પોલીસે તેમનું પાર્લર વર્ષ 2023માં બંધ કરાવ્યું હતું. 

કોર્ટને પોલીસે જણાવ્યું હતું કે કેટલાક પાર્લરો મનોરંજન એકટના નામે કર ચૂકવીને પાર્લરો ખોલી તેનો દુરુપયોગ કરે છે. અમારી કાર્યવાહી જુગાર રોકથામ અધિનિયમ હેઠળ હાથ ધરાઇ હતી. અમે તેમની પાસે પાર્લર અંગેની એનઓસી માગી નહોતી. બંને પક્ષની દલીલ બાદ કોર્ટે અરજી રદ કરી હતી, કારણ કે સમીક્ષા માટે કોઇ પર્યાપ્ત પુરાવા બંને પ્રતિવાદીઓ પાસે નહોતા.