• સોમવાર, 04 માર્ચ, 2024

નાયગાવથી અલીબાગ વચ્ચે દોડશે મેટ્રો  

મુંબઈ, તા. 12 : મુંબઈની મેટ્રો અલીબાગ સુધી પહોંચે એવી શક્યતા છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને (એમએસઆરડીસી) નાયગાંવ રેલવે સ્ટેશનથી અલિબાગ 135 કિ.મી.ના મેટ્રો રૂટ માટે ફિસિબિલિટી (વ્યવહાર્યતા) અભ્યાસ શરૂ ર્ક્યો છે. આગામી મહિનામાં રૂટની સવિસ્તર રૂપરેખા તૈયાર કરવામાં આવશે. રૂટ પર 40 સ્ટેશન હશે. નવી મુંબઈ ઍરપોર્ટ અને જેએનપીટીને પણ મેટ્રો સાથે જોડવામાં આવશે. એમએસઆરડીસી દ્વારા વિરારથી અલીબાગ 128 કિ.મી.નો મલ્ટીપર્પસ રૂટ બાંધવાનું આયોજન છે. માટે જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે. આગામી કેટલાક મહિનામાં નવઘરથી બળવલી પહેલા તબક્કાના કામની શરૂઆત થશે. રૂટ પર 26.60 મીટર પહોળી જગ્યા મેટ્રો માટે આરક્ષિત રાખવામાં આવી છે. 

રૂટ પૂર્ણ થયા બાદ મેટ્રો બાંધવામાં આવશે, એવું કહેવામાં આવી રહ્યું છે. 

નાયગાંવથી અલિબાગ મેટ્રો રૂટની ફિઝિબિલિટી તપાસવા માટે મે. મોનાર્ચ સર્વેઅર ઍન્ડ એન્જિનિયરિંગ કન્સલટન્ટની નિમણૂક કરાઈ છે. મહિનામાં એમનો અભ્યાસ પૂર્ણ થશે. માર્ગ વ્યવહારુ ઠરશે તો પ્રૉજેક્ટની સવિસ્તર રૂપરેખા તૈયાર કરવામાં આવશે, એવું એમએસઆરડીસીના મુખ્ય એન્જિનિયર એસ.કે. સુરવસેએ જણાવ્યું છે.