• સોમવાર, 04 માર્ચ, 2024

આજે કિસાનોની કૂચ : દિલ્હીની સીમાઓ સીલ  

રાજધાનીમાં 12 માર્ચ સુધી કલમ 144 લાગુ: કિસાનોને રોકવા માટે દિલ્હીની સીમાઓ ઉપર ત્રિસ્તરીય સુરક્ષાઘેરો

નવીદિલ્હી, તા. 12 : ન્યુનતમ સમર્થન મૂલ્ય(એમએસપી) સહિતની પડતર માગણીઓ સાથે 26 કિસાન સંગઠન દ્વારા આવતીકાલે 13મી ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી કૂચનાં અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આજથી દિલ્હીમાં 12 માર્ચ એટલે કે એક માસ સુધી તમામ મોટી સભાઓ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજીબાજુ પંજાબ અને હરિયાણાના કિસાનો દિલ્હી ભણી આગળ વધવા લાગ્યા છે. કિસાનોનાં આંદોલનને ધ્યાને લેતા પંજાબ-હરિયાણા અને દિલ્હીમાં એલર્ટ જારી કરાયા છે.  

હરિયાણા પોલીસે અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. તો પંજાબ સીમા ઉપર ત્રિસ્તરીય સુરક્ષા ઘેરાબંધી કરી લેવામાં આવી છે. જેમાં બીએસએફ, આરએએફ અને હથિયારબંધ જવાનોની તૈનાતી કરાઈ છે. 

રાજધાનીમાં ટ્રેક્ટરોના પ્રવેશની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સિવાય બંદૂક, જ્વલનશીલ પદાર્થો, ઈંટ-પથ્થર જેવા હથિયાર બની શકે તેવા સાધન-સામગ્રી ઉપર પણ રાજધાનીમાં પ્રતિબંધ હોવાનું આજે દિલ્હી પોલીસે જણાવ્યું હતું. સીવાય પેટ્રોલ અને સોડા બોટલ એકઠી કરવાની પણ મનાઈ છે. 12 માર્ચ સુધી લાઉડ સ્પીકર ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. કલમ 144નું ઉલ્લંઘન કરનારની તત્કાળ ધરપકડ કરવાનાં આદેશો આપી દેવામાં આવ્યા છે.

કિસાનોની કૂચને પગલે દિલ્હીમાં હજારથી વધુ સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. કિસાનોની કૂચને આગળ વધતી રોકવા માટે ક્રેન અને ભારે વાહનો પણ તૈનાત કરાયાં છે. દિલ્હીની સિંઘૂ, ગાઝીપુર અને ટિકરી સીમાઓ પણ સીલ કરી દેવામાં આવી છે અને પરિવહન ઉપર પણ અનેક પાબંદીઓ લાદી દેવાઈ છે. 

લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોનો આક્રમક મિજાજ ધ્યાને લેતા શનિવારે સરકારે કિસાન નેતાઓ સાથે સીધો સંપર્ક સ્થાપિત કર્યો હતો. સરકારે તેમને આજે બીજા તબક્કાની મંત્રણા માટે નિમંત્રિત કર્યા હતા. કિસાનો સાથે વાટાઘાટની જવાબદારીનો મોરચો સરકારે ત્રણ પ્રધાનને સોંપ્યો છે. જેમાં કૃષિ પ્રધાન અર્જુન મુંડા, ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયનો સમાવેશ થાય છે.