• રવિવાર, 14 એપ્રિલ, 2024

વિકાસનો સમન્વય સાધનારું બજેટ  

મહારાષ્ટ્ર સરકારનું રૂા. 6,00,522 કરોડનું વચગાળાનું બજેટ નાણાપ્રધાન અજિત પવારે રજૂ કર્યું છે. બજેટમાં 4,98,758 કરોડની મહેસૂલી આવકના અંદાજ સામે 5,08,492 કરોડનો ખર્ચ દર્શાવાયો છે. આમ 9734 કરોડની મહેસૂલી ખાધ દર્શાવાઈ છે. બજેટમાં તમામ વર્ગો માટે ભરપૂર લહાણી સાથે મોટા માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે અને ચૂંટણી પૂર્વેનું વચગાળાનું બજેટ હોવાથી દેખીતી રીતે કોઈ નવો કર લાદવામાં નથી આવ્યો.

રાજ્યના પર્યટક તેમ શ્રદ્ધાળુઓને વાજબી દરમાં ઉત્તમ સુવિધા પૂરી પાડવા માટે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર તેમ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે મહારાષ્ટ્ર ભવન માટે બન્ને સ્થળે રાજ્ય શાસને વિશાળ જમીન ઉપલબ્ધ કરાવી છે, માટે 77 કરોડ રૂપિયાની જોગવાઈ પ્રસ્તાવિત છે.

રાજ્યનું વચગાળાનું બજેટ હોવા છતાં નાણાપ્રધાન અજિત પવારે સમાજના તમામ વર્ગો, ખાસ કરીને ખેડૂતો, શ્રમિકો, મહિલા, વિદ્યાર્થી, યુવક, પછાત વર્ગો, આદિવાસી, લઘુમતીઓ, ઉદ્યોગપતિ, વેપારી, વ્યવસાયિક બધા ઘટકોને ન્યાય અને વિકાસની તક ઉપલબ્ધ કરી આપવાનો પ્રયાસ કર્યો છે. શાશ્વત, પર્યાવરણપૂરક તેમ સર્વ સમાવેશક વિકાસ સાધવાની રાજ્યની નીતિને ગતિ આપવાને આમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યનું અર્થતંત્ર એક ટ્રિલિયન ડૉલર કરવા માટે મહારાષ્ટ્ર આર્થિક સલાહકાર પરિષદે આપેલ દિશાનિર્દેશ અહેવાલ અનુસાર આવશ્યક નીતિઓની અમલ બજાવણી કરવામાં આવી છે.

રાજ્યમાં 18 નાનાં ઔદ્યોગિક સંકુલો ઊભાં કરવાં, સિંચાઈ માટે વિશેષ કરી વિદર્ભ માટે રૂપિયા બે હજાર કરોડની કરેલી જોગવાઈ, દરેક જિલ્લામાં એક લાખ મહિલાને રોજગાર આપવાની જાહેરાત, આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ કેન્દ્ર ઊભાં કરવાં, કૌશલ્યના વિકાસ માટે વ્યાપક ભંડોળ, પર્યટન ક્ષેત્રને ગતિ આપવા લોણાર, અજંતા, કળસુબાઈ, દરિયાઈ ગઢ-કિલ્લાઓ ખાતે સુવિધા ઊભી કરવા કેટલીક મુખ્ય જોગવાઈ છે.

આની સાથે સૌર ઊર્જાને વેગ આપવા માટે વિશેષ યોજના લાવવામાં આવી છે. 2030 સુધી કુલ ઊર્જા નિર્માણમાંથી 40 ટકા બિનપારંપરિક પદ્ધતિથી કરવાનો ઉદ્દેશ્ય છે. એટલે રાજ્યમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં સોલાર પૅનલ બેસાડવા માટે રૂા. 78 હજાર સુધી અનુદાન આપવામાં આવશે. નાગરિકોને તેમાંથી 300 યુનિટ વીજળી નિ:શુલ્ક મળશે. 

રાજ્ય સરકારે કેન્દ્રની યોજનાઓ અસરકારક રીતે હાથધરી તો દેશની છેવાડાની વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચે છે. ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં કેન્દ્ર સરકારની યોજનાનો રાજ્યની જનતાને લાભ નહીં આપવો, તેમ કોઈપણ જોગવાઈ નહીં કરવી એવી ખોટી પ્રથા પડી હતી. સદ્ભાગ્યે મહાયુતિ સરકારના કાળમાં કેન્દ્ર પાસેથી ભરપૂર ભંડોળ મળી રહ્યું છે. રાજ્યનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેનું સ્વાગત કરવું ઘટે. મૂળભૂત સુવિધાઓ સાથે શહેરી તેમ ગ્રામીણ વિકાસનો સમન્વય સાધનારું અને નાગરિકો પ્રત્યેની જવાબદારીનું પ્રતિબિંબ ઝીલનારું બજેટ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ