• રવિવાર, 14 એપ્રિલ, 2024

`મૈત્રીપૂર્ણ' ફાટફૂટ

મહાવિકાસ આઘાડીમાં સાંગલી, ભિવંડી અને દક્ષિણ-મધ્ય મુંબઈ ત્રણ બેઠકોને લઈ ઊભી થયેલી ગૂંચવણ ઉકેલાવાનું નામ નથી લઈ રહી. ત્રણ મતદાર ક્ષેત્ર પર દાવો કરનારી કૉંગ્રેસને શિવસેના ઠાકરે જૂથ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ શરદ પવાર જૂથે જાણે કે મધદરિયે છોડી દીધી હોય એવું ચિત્ર છે. મહાવિકાસ આઘાડીના મુખ્ય નેતાઓની બેઠકમાં કૉંગ્રેસે ત્રણે મતદાર ક્ષેત્ર પર પોતાનો હકદાવો જતાવ્યો છે, પણ મુદ્દે રાષ્ટ્રવાદી નેતાઓએ મૌન ધારણ કરવાનું પસંદ કર્યું છે.

મહાવિકાસ આઘાડીમાં શિવસેના ઠાકરે જૂથ અને કૉંગ્રેસમાં સાંગલી મતદાર ક્ષેત્રનો વિવાદ પરાકાષ્ઠાએ છે. ભિવંડી પર રાષ્ટ્રવાદીએ દાવો કર્યો છે તેનો પણ કૉંગ્રેસનો વિરોધ છે. દક્ષિણ-મધ્ય મુંબઈ મતદાર ક્ષેત્ર કૉંગ્રેસને જોઈએ છે, પણ બેઠક પર શિવસેનાએ અનિલ દેસાઈનું નામ નિશ્ચિત કર્યું છે. મુદ્દે કૉંગ્રેસના અસંતોષની નોંધ લેવા શિવસેના તૈયાર નથી.

સાંગલી અને ભિવંડીનો વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો છે, ગમે તે થાય આઘાડીમાં પંક્ચર પડે નહીં એની તકેદારી રાખવાની હિદાયત કૉંગ્રેસ મોવડીમંડળે આપી છે. આના પગલે રાજ્યના કૉંગ્રેસ નેતાઓમાં અસમંજસ ફેલાઈ છે. શિવસેના આપણા હકની બેઠકો આપવા માગતી હોય ત્યાં મૈત્રીપૂર્ણ લડત આપવાની વાત શરૂ કરી હતી. મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીને લઈ શરૂ થયેલી આંતરિક ચર્ચા છેવટે સપાટી પર આવી છે. શિવસેના ઠાકરે જૂથે ઉમેદવાર જાહેર કર્યા તે કેટલીક બેઠકો બાબત ફેરવિચાર થવો જોઈએ એવી માગણી નકારી કાઢવામાં આવી હોવાથી પાંચ લોકસભા મતદાર ક્ષેત્રમાં ઠાકરે જૂથના વિરોધમાં મૈત્રીપૂર્ણ ચૂંટણી લડવાનો નિર્ણય `હૉલ્ડ' પર રાખ્યો હોય, પણ સન્માનજનક માર્ગ નહીં નીકળે તો તેઓ મૈત્રીપૂર્ણ ફાટફૂટ કહી મૈત્રીપૂર્ણ લડત આપવા થનગની રહ્યા છે.

મહારાષ્ટ્રની જેમ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળથી બધી બેઠકો બાબત એકમત નહીં થવાથી કૉંગ્રેસે પૂર્ણિયા અને બેગુસરાય મતદાર ક્ષેત્રમાં મૈત્રીપૂર્ણ લડતની તૈયારી કરી છે. પૂર્ણિયા મતદાર ક્ષેત્ર રાષ્ટ્રીય જનતા દળે ખુદ પોતાની પાસે લીધું છે, તો બેગુસરાય ડાબેરીઓના ભાગે જાય છે તેને લઈ પૂર્ણિયામાં બાહુબલી નેતા પપ્પુ યાદવને મેદાનમાં ઉતારવાનું જાહેર કર્યું છે. તેમને કૉંગ્રેસનું અધિકૃત ચિહ્ન આપવામાં આવશે. આને લઈ મતદાર ક્ષેત્રમાં રાજદ અને કૉંગ્રેસમાં સીધી લડત થવાની શક્યતા છે.

બેગુસરાય મતદાર ક્ષેત્રમાં ગઈ ચૂંટણીમાં કન્હૈયાકુમારે ડાબેરીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા. હવે તેઓ કૅંગ્રેસમાં છે. છતાં બેઠક કૉંગ્રેસને નથી મળી. આથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લડત આપે એવી શક્યતા છે. મહારાષ્ટ્ર હોય કે બિહાર, કૉંગ્રેસ હવે મૈત્રીપૂર્ણ લડત આપશે તો કેટલી સફળતા મળશે જોવાનું રસપ્રદ થઈ પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ