• રવિવાર, 14 એપ્રિલ, 2024

કચ્ચાથીવુ દ્વીપનો વિવાદ  

કચ્ચાથીવુ દ્વીપના જે મુદ્દાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં પણ સંસદ અને રૅલીમાં ઉઠાવી ચૂક્યા છે તેની વિગત હવે આરટીઆઈના માધ્યમથી બહાર આવી છે. 1974માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતીય દ્વીપ શ્રીલંકાને સોંપી દીધો હતો. અરુણાચલ પ્રદેશ અને ચીન જેવા મુદ્દા ઉઠાવીને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહેલા કૉંગ્રેસ સહિત અન્ય પક્ષો વિરુદ્ધ ભાજપ હવે સમગ્ર દેશમાં ચૂંટણી મુદ્દો બનાવે તો નવાઈ નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતની એકતા - અખંડિતતાને નબળી પાડવી કૉંગ્રેસની રીત રસમ છે. મેરઠ રૅલીમાં કહ્યું છે કે કૉંગ્રેસ અને તેમના સહયોગીઓએ ભારત માતાના અંગને કાપી નાખ્યું છે. મુદ્દો દક્ષિણ ભારતમાં વિશેષ રૂપે ગરમાટો લાવશે. તેમાં પણ તામિલનાડુમાં સત્તારૂઢ દ્રમુકને ચિંતિત કરી શકે છે, કારણ કે દ્રમુક કૉંગ્રેસ સાથે ચૂંટણી મેદાનમાં છે. મુદ્દે વડા પ્રધાન મોદીએ તામિલનાડુના શાસક પક્ષ દ્રમુકને ઘેર્યો છે અને કહ્યું છે કે તામિલનાડુનાં હિતોની રક્ષા માટે ડીએમકેએ ક્યારેય પણ કંઈ કર્યું નથી. કચ્ચાથીવુ પ્રકરણની જાહેરમાં આવેલી માહિતીએ ડીએમકેનાં બેવડાં વલણનો પર્દાફાશ કર્યો છે. કચ્ચાથીવુ દ્વીપને શ્રીલંકાના હાથમાં આપતાં પહેલાં કરુણાનિધિની પણ સહમતી લેવામાં આવી હતી એમ પણ મોદીએ જણાવ્યું હતું અને ઉમેર્યું છે કે આનાથી તામિલનાડુના માછીમારોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

મે, 1961માં તત્કાલીન વડા પ્રધાન નેહરુએ પણ મુદ્દાને અપ્રાસંગિક ગણાવી નકારી કાઢ્યો હતો. તેમણે લેખિત નિવેદન આપ્યું હતું કે હું દ્વીપ પરનો દાવો છોડવામાં કોઈ ખચકાટ નહીં અનુભવું. નાના દ્વીપનું બિલકુલ મહત્ત્વ નથી. મને પસંદ નથી કે વિવાદ અચોક્કસ સમય સુધી ચાલુ રહે અને ફરીથી સંસદમાં ઉઠાવવામાં આવે. કચ્ચાથીવુ દ્વીપ શ્રીલંકાના નેદુનથીવુ અને ભારતના રામેશ્વરમ વચ્ચે સ્થિત છે. પારંપરિક રૂપથી બન્ને દેશોના માછીમારો દ્વારા તેનો ઉપયોગ થતો રહ્યો છે. દ્વીપ રામેશ્વરમથી લગભગ 19 કિલોમીટર દૂર છે. સ્વતંત્રતાના સમય પછી પણ દ્વીપ ભારતનો હિસ્સો હતો, પરંતુ શ્રીલંકા સતત આના પર દાવો કરતું રહ્યું છે.

1974માં બન્ને દેશો વચ્ચે મુદ્દા પર બે બેઠકો થઈ. પછી તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ સિરિમાવો ભંડારનાયકેની સાથે થયેલી સમજૂતીના અંતર્ગત કચ્ચાથીવુ દ્વીપ ઔપચારિક રીતે શ્રીલંકાને સોંપી દીધો હતો. ઇન્દિરા ગાંધીના નિર્ણયનો વિરોધ તામિલનાડુ અને અડીને આવેલાં રાજ્યોમાં થયો હતો કારણ કે માછીમારોના અધિકારો પર મોટો વજ્રાઘાત હતો. વાસ્તવમાં ભાજપ હંમેશાં દેશના સાર્વભૌમત્વને મહત્ત્વ આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વેળા દેશની એક એક ઇંચ ભૂમિ માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનો વિશ્વાસ દેશવાસીઓને અપાવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ