• શુક્રવાર, 03 મે, 2024

મત માટે સોદાબાજી?  

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ઈંદાપુરની પ્રચારસભામાં જે નિવેદન કર્યું તેને લઈ ખળભળાટ મચી ગયો છે. તેમણે લોકોને કહ્યું છે કે, અમે તમને ફંડ આપી રહ્યા છીએ, તેને લઈ  બધાએ ફટાફટ ઈવીએમનું બટન અમારા ઉમેદવારની તરફેણમાં દબાવી વોટ આપવા. જો આમ નહીં થયું તો પછી ફંડ આપવામાં અમારો હાથ પણ અકડાઇ શકે છે. હવે નિવેદનનો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા રોહિત પવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને પંચે અજિત પવારને સંદર્ભમાં નોટિસ મોકલી જવાબ આપવા જણાવ્યું છે.

લોકતંત્રમાં દરેક નાગરિકને અધિકાર છે કે, તે પોતાની પસંદના પક્ષ કે ઉમેદવારની તરફેણમાં મતદાન કરી શકે છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં મતદાતા પર કોઈ દબાણ નહીં હોવું જોઈએ, જે પણ સરકાર ચૂંટાઇ આવે છે, તેણે સમાન રૂપથી બધાં ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. એવો ભેદભાવ હરગિજ નહીં થવો જોઈએ કે જ્યાંથી વોટ મળે ત્યાં વિકાસની ગંગા વહેવડાવવામાં આવે અને જ્યાં લોકો વોટ આપે, તે વિસ્તારોને જાણીબૂઝીને પછાત રાખવામાં આવે અને ત્યાં નજર પણ નાખવામાં આવે. વોટ હાંસલ કરવા માટે મતદારોને ધમકી આપવી અવાંછિત છે.

પોતાના પક્ષના ઉમેદવારને મત નહીં આપનારા મતદારો માટે અજિત પવારે જે વલણ લેવાની વાત કરી છે, તે પક્ષપાત પૂર્ણ છે. લોકસભા નહીં, વિધાનસભા, મહાનગરપાલિકા જેવી ચૂંટણીમાં જે પક્ષ કે ઉમેદવારો ચૂંટાય છે, તે પોતાના મતદારક્ષેત્રમાં વધુ મત આપનારાં ક્ષેત્ર ઉપર ધ્યાન દે છે, જ્યાંથી મત નહોતા મળ્યા કે ઓછા મત મળ્યા હતા વિસ્તારો વિકાસમાં પાછળ રહી જાય છે. તો બદલો લેવા જેવી વાત થઈ. હકીકતમાં આવા વિસ્તારોનો વધુ વિકાસ કરે તો આગલી ચૂંટણીમાં ત્યાંના મતદારોનું માનસ બદલાશે. તેને જાણ થશે કે કયો પક્ષ કે ઉમેદવાર તેની વધુ ચિંતા કરે છે, ત્યાંની જનતા ખુદ શરમાશે કે પહેલાં તેઓ હકનાં વચનો આપનારા નકામા નેતાને વોટ આપતા હતા, જ્યારે તેણે બદલાવ માટે વોટ આપ્યો તો સારું પરિણામ આવ્યું.

રાજકારણમાં નૈતિકતા નેવે મુકાઇ ચૂકી છે, છતાં પણ રાજકારણ જેવાં બદનામ ક્ષેત્રમાં પણ શરમ જેવી ચીજ હોવી જોઈએ. હાલ નૈતિકતા, ચારિત્ર્ય, વિકાસ, કાર્યકુશળતા, બૌદ્ધિક સામર્થ્ય શબ્દોના અર્થ અને સંદર્ભ ખૂબ બદલાયેલા છે. નાદાન રાજકારણીઓનું વાચાળપણું અને લાચારપણું બધી મર્યાદા ઓળંગી રહ્યું છે. સમજુ અને સજાગ મતદારોની સંખ્યા ઓછી થવા લાગી છે અને અંધશ્રદ્ધાળુ ભક્તોની સંખ્યા વધતી ચાલે છે. એટલે ચૂંટાઇ આવેલા સત્તાધારી લોકપ્રતિનિધિના વર્તન પર અંકુશ રાખનારી સામર્થ્ય લોકશક્તિ ભારતમાં હજુ નિર્માણ નથી થઈ તે કમનસીબી છે.