• શનિવાર, 18 મે, 2024

હવે `વોટ જિહાદ'  

કૉંગ્રેસના જ્યેષ્ઠ નેતા સલમાન ખુરશીદની પૌત્રી મારિયા આલમે મુસલમાનોને `વોટ જિહાદ' કરવાનું આહ્વાન કર્યું છે. આ ચોક્કસ શું છે, એ તો તેમને જ ખબર, પણ `વોટ જિહાદ' કરી મોદી સરકારને સત્તા પરથી હટાવી શકાય છે, એવું તેમણે કહ્યું છે. આનો અર્થ મુસ્લિમોએ એકસાથે કૉંગ્રેસને મતદાન કરવું એવો થાય છે. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે, આથી જે બેઠક પર એનડીએનો ઉમેદવાર હોય ત્યાં મુસ્લિમ મતદારોએ ઇન્ડિ મોરચાના ઉમેદવારને મત આપવા એવું મારિયાનું કહેવું છે. આ આહ્વાન તેઓ સીધા શબ્દોમાં પણ કરી શકયાં હોત, પણ તેમણે આ માટે ઈરાદાપૂર્વક `વોટ જિહાદ' શબ્દ વાપર્યો છે. આ શબ્દનો ઉપયોગ પહેલીવાર થયો છે, પણ તેનાથી કૉંગ્રેસના ઉમેદવારની માનસિકતા છતી થાય છે.

ચૂંટણી પૂર્વે કૉંગ્રેસને મત આપવો એવો ફતવો ઈમામ બુખારી બહાર પાડતા. તેના પર ટીકા થયા પછી અને તેનું વિપરીત પરિણામ હિન્દુમતોના ધ્રુવીકરણ થવામાં થાય છે એ ધ્યાનમાં આવતાં આ બધા ફતવા કાઢવાનું બંધ થયું. પણ હવે `વોટ જિહાદ'ના ઉલ્લેખથી ફરી એક વેળા ચૂંટણીમાં ધર્મના નામે મતદાનની વાત ઊઠી છે. ભાજપના પ્રચારમાં રામ મંદિર બાંધ્યાનો ઉલ્લેખ કર્યો તો કૉંગ્રેસ અને વિપક્ષ વાંધો લે છે તો `િજહાદ' જેવા શબ્દને કેવી રીતે ચલાવી લેવાય? `લવ જિહાદ'નો મુદ્દો આવે એટલે કહેવાતા બુદ્ધિજીવીઓ આ બાબતને ગપગોળો કે કલ્પના ગણાવી તેનો છેદ ઉડાડવા તત્પર હોય છે. પણ `વોટ જિહાદ'ની છડેચોક રજૂઆત છતાં હજી સુધી આ બૌદ્ધિકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમને તો લોકતંત્ર જોખમમાં પણ નહીં લાગતું હોય. આવા બેવડાં ધોરણો સમાજનું વધુ નુકસાન કરે છે.

મોદી સરકારે પ્રભાવીપણે શરૂ કરેલી લોક કલ્યાણની અનેક  યોજનાઓના લાભાર્થીઓમાં આ મુસ્લિમ સમાજ પણ છે, આ બધી સરકારી સવલતોનો લાભ લેતી વખતે ક્યારેય ફરિયાદ ઉઠતી નથી. મોદી સરકારે આ સમાજને ભરપૂર લાભ આપ્યા છે. આટલું બધું હોવા છતાં આ સમાજે મોદી સરકારને કદી આપણી માની નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કે તેમની સરકાર પર જાહેરમાં ઝેરી ટીકા કરવામાં આ જ સમાજ અને તેના નેતા આગળ હોય છે. 

આ વેળાની લોકસભાની ચૂંટણીમાં અનેક મુસ્લિમ નેતાઓની બેઠકો ભયમાં છે ત્યારે `વોટ જેહાદ'ની અપીલ થઈ રહી છે. હૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવી લતાની વધતી લોકપ્રિયતાને તથા તેમને મળી રહેલા જનાધારને જોતાં એમઆઈએમના નેતા અસદુદ્દીન ઔવેસી અકળાયા છે. આથી તેમણે હવે પોતાનો પ્રચાર `મુસ્લિમ નેતા' તરીકે શરૂ કર્યો છે. સલમાન ખુરશીદની પૌત્રીને પણ આ જ ભય સતાવતો હોવો જોઈએ, એ કારણથી જ હવે તેમણે પણ વોટ જિહાદનું શત્ર ઉગામ્યું છે. ઉત્તર પ્રદેશમાં બધી 80 બેઠક પર વિજય મેળવવા ભાજપ કટિબદ્ધ છે અને યોગી આદિત્યનાથનું સુશાસન આ દિશામાં સૌથી મહત્ત્વનું પાસું છે. મોદીના કરિશ્માને પગલે ઉત્તર પ્રદેશના `ઇન્ડિયા'ના અનેક ઉમેદવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આથી જીતવા માટે છેવટના ઉપાય તરીકે ધાર્મિક આધાર પર મતો માગવાની શરૂઆત કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક