• શનિવાર, 18 મે, 2024

હવે જવાબદારી મતદારોની

એકનાથ શિંદેને ભાજપે મુખ્ય પ્રધાન પદ આપ્યું હોવાથી ચૂંટણીમાં બેઠક વહેંચણીમાં ભાજપનો હાથ ઊંચો રહેશે. આમ, સત્તામાં ભલે તેઓ પહેલા ક્રમે હોય પણ બેઠકની ફાળવણીમાં ભાજપ પોતાનું ધાર્યું કરશે, એવા વિરોધીઓના દાવાનો છેદ ઉડાડતા શિંદેની શિવસેનાએ નાસિક, થાણે, કલ્યાણ સહિત મુંબઈમાં પણ ભાજપ જેટલી બેઠકો મેળવી છે. મુંબઈની લોકસભાની છએ બેઠકોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. દક્ષિણ મુંબઈમાં યામિની જાધવ, ઉત્તર પશ્ચિમ મુંબઈમાં રવીન્દ્ર વાયકર. મુંબઈમાં શિવસેના અને ભાજપ વચ્ચે બેઠક વહેંચણી કેવી રીતે થશે, છેવટ સુધી સ્પષ્ટ નહોતું.

મહાવિકાસ આઘાડીની બેઠક વહેંચણી સમયસર પાર પડી છતાં ઉત્તર-મધ્ય અને ઉત્તર મુંબઈની બેઠક પર ઉમેદવાર આપવામાં શા માટે સમય લાગ્યો ચર્ચાનો વિષય છે. ઉત્તર મુંબઈમાં ઉમેદવાર શોધવામાં કૉંગ્રેસના નાકે દમ આવી ગયો. એકનાથ શિંદે પર ભાજપ મોવડી મંડળના ચાર હાથ હોવાનું છેલ્લાં બે વર્ષ દરમિયાન જોવા મળ્યું છે. આમ હોવા છતાં મુંબઈની બેઠક થાણે, પાલઘર, નાસિક વગેરે બેઠકો મહાયુતિમાં કોને મળશે તે લાંબો સમય રહસ્ય રાખવાની શું આવશ્યક્તા હતી, પ્રશ્નનો તાર્કિક ઉત્તર મહાયુતિના નેતાઓ પાસે નથી. થાણે અને કલ્યાણ જેવા શિવસેનાના ગઢમાં બે સેનાઓ વચ્ચે સીધી સ્પર્ધા છે.

હવે મુંબઈની છએ બેઠકો માટે મુખ્ય બે આઘાડીના ઉમેદવારો જાહેર થયા હોવાથી ચૂંટણીમાં સ્પર્ધા કોની વચ્ચે થશે તેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. દક્ષિણ મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ અને ઉત્તર મુંબઈના પ્રતિસ્પર્ધી ઉમેદવારોની ઘોષણા મતદાનના પંદર-વીસ દિવસ પહેલાં થવાથી મતદાર સમક્ષ જવાનો તેઓને કંઈક અધિક સમય મળશે. જોકે, ઉમેદવાર જાહેર કરવામાં થયેલા વિલંબને પગલે મતદાતા કોની તરફ ઢળશે કહેવું મુશ્કેલ છે. મુંબઈમાં વખતે બધા પક્ષો ચિંતામાં છે. મુંબઈમાં ત્રણ બેઠકો પર શિંદે શિવસેના અને ઉદ્ધવ સેનાના ઉમેદવારો સામસામે છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈમાં અમોલ કીર્તિકર અને રવીન્દ્ર વાયકર, દક્ષિણ-મધ્યમાં રાહુલ શેવાળે અને સુભાષ દેસાઈ અને દક્ષિણ મુંબઈમાં યામિની જાધવ અને અરવિંદ સાવંતની ટક્કર છે.

 છેલ્લી બે ચૂંટણીનો ઝોક જોતાં અનેક નેતાઓ આસાનીથી વિજય મેળવશે એવો અંદાજ હતો, જોકે રાજ્યમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ફૂટ પછી સમીકરણો બદલાયાં છે, વખતે સ્થિતિ અલગ છે. જે પક્ષો વતી નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેઓ માટે અગ્નિપરીક્ષા જેવું છે. આમ છતાં મુંબઈમાં કઈ બેઠક પરથી કોણ લડશે એવું સસ્પેન્સ મુંબઈગરાએ અનુભવ્યા પછી હવે ઉમેદવારોની ચર્ચા થયા બાદ જવાબદારી છે મતદારોની... કાર્યક્ષમ લોકપ્રતિનિધિ ચૂંટી આપવાની.

ઇ-પેપરના નવા શુલ્ક