• શનિવાર, 18 મે, 2024

અર્બન હિટ આઈલૅન્ડ  

મુંબઈની છ લોકસભા બેઠકના ઉમેદવારો ઘોષિત થયા છે. કેટલાકે તો ઉમેદવારીપત્રકો પણ ભર્યાં છે અને હાલ આકરા ઉનાળામાં રેલી, વિવિધ સ્થળોનાં સંગઠનો, સમુદાયોની મુલાકાત સાથે લોકસંપર્ક પણ ઉમેદવારોએ શરૂ કરી દીધો છે, પણ હજી સુધી એક પણ ઉમેદવારે `હીટ આઈલેન્ડ' અથવા મુંબઈના પર્યાવરણ પર એક શબ્દ ઉચ્ચાર્યો નથી એવો ખેદ પર્યાવરણ અભ્યાસકોએ વ્યક્ત કર્યો છે. ઉમેદવાર `આરે'ના જંગલ પર તેમજ વધતા કોંક્રીટના જંગલ પર બોલતા નથી. વધતા પ્રદૂષણ અને તેને લઈ થતા ત્રાસ પર કોઈ ન બોલે એ કમનસીબી છે.

વાસ્તવમાં મુંબઈમાં મોટાભાગના રસ્તા તેમજ બિલ્ડિંગોને લઈ કોંક્રીટીકરણ થયું છે. તપી ગયેલા રસ્તાઓ ઠંડા પડવામાં સમય લાગતો હોય છે. કોંક્રીટીકરણને લઈ વરસાદનાં પાણીનો નિકાલ નથી થતો, તે સીધું ગટરો, નાળાં, નદીથી સમુદ્રમાં ભળે છે. વરસાદમાં ભરાઈ જતાં પાણી અંગે હજી કોઈ સશક્ત યોજના નથી કરવામાં આવી. બિલ્ડિંગોને ભડક રંગથી રંગવાને બદલે, ફિકો રંગ લગાડવામાં આવ્યો તો સૂર્યકિરણો પરાવર્તિત થશે. ગ્રીન બિલ્ડિંગોની સંખ્યા વધારવાની પણ આવશ્યક્તા છે.

ઉમેદવારોએ મુંબઈના ક્લાયમેટ એક્શન પ્લાન પર બોલવું જોઈએ અથવા મતદારોએ તેઓને બોલવા પર ફરજ પાડવી જોઈએ. જો કે, આની યોજના ફક્ત કાગળ પર નહીં રહેવી જોઈએ. ચૂંટણી આવી એટલે પર્યાવરણ પર બોલવું અને પછી કંઈ જ કરવું નહીં એવું નહીં થવું જોઈએ. મુંબઈને પર્યાવરણસ્નેહી રાખવાનો દરેક સ્તરથી પ્રયાસ થવો આવશ્યક છે.

પશ્ચિમનાં પરાંમાં મેનગ્રોવ્ઝની તો રીતસર કતલ ચાલી છે. મેનગ્રોવ્ઝનાં જંગલમાં બાંધકામનો ડેબ્રિજ ઠાલવવામાં આવે છે, તેને લઈ પર્યાવરણને હાનિ પહોંચે છે. ઉમેદવારોએ વાયુ પ્રદૂષણ ઉકેલવા પ્રયાસ કરવાની ગેરેન્ટી આપવી જોઈએ. આ માટે રસ્તાની ફરતે અને ઈમારતોની બાજુમાં વૃક્ષો વાવવાની ઝુંબેશની ખાતરી આપવી જોઈએ. આ રીતે પણ ઉમેદવારો શહેરી વનીકરણ પર ભાર મ્કી શકે છે.

જ્યાં વૃક્ષો વધુ છે, ત્યાંનું તાપમાન ઓછું હોય છે, જ્યાં વૃક્ષો ઓછાં છે, ત્યાંનું તાપમાન વધુ હોવાનું મુંબઈગરાએ અનુભવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક