• શનિવાર, 18 મે, 2024

કૉંગ્રેસ કા હાથ, પાકિસ્તાન કે સાથ  

લોકસભા ચૂંટણીનો જંગ પરાકાષ્ટા તરફ જઇ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષ સામે આક્રમકતાથી મોરચો માંડયો છે. વિશેષ તો સૌરાષ્ટ્રમાં શ્રેણીબદ્ધ ચૂંટણી સભાઓમાં કોંગ્રેસ પર ચાબખા વીંઝ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે, આજે કોંગ્રેસ નબળી પડી રહી છે અને સૂક્ષ્મદર્શક યંત્રથી કોંગ્રેસને શોધવી પણ મુશ્કેલ બની છે. કોંગ્રેસ જ્યારે તૂટી રહી છે, ત્યારે પાકિસ્તાન રડી રહ્યું છે. હવે શાહજાદાને વડાપ્રધાન બનાવવા માટે પાકિસ્તાન દુઆ કરી રહ્યું છે. પાકિસ્તાન અને કોંગ્રેસની ભાગીદારીનો પર્દાફાશ થઈ ગયો છે.

આજે વિશ્વભરના બધા મુસ્લિમદેશ ભારતની ભૂમિકાને ટેકો આપે છે. કાશ્મીર પ્રશ્ન પર સાઉદી અરેબિયાથી માંડીને લગભગ તમામ મુસ્લિમ દેશો ભારતની તરફેણમાં છે. પાક કબજા હેઠળના કાશ્મીરમાંની જનતામાં પણ પાકિસ્તાનના વિરોધમાં અસંતોષ ખદબદે છે. કાશ્મીરી જનતાને ભારતમાં સામેલ થવું છે. આ બધું મોદીનાં કાર્યોનું પરિણામ છે, તે પાકિસ્તાન સમજી ચૂક્યું છે. એટલે જ મોદીને સત્તા પરથી દૂર કરવા માટે ભારતમાંના મુસ્લિમ મતદારોનું કોંગ્રેસની તરફેણમાં ધ્રુવીકરણ કરવાના દાવપેચ ખેલવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનના આતંકવાદ પ્રતિ કોંગ્રેસ સરકારે હેતુપૂર્વક આંખ આડા કાન કરવાથી તેને પહેલેથી જ કોંગ્રેસ પ્રતિ કૂણી લાગણી છે. હવે ભારતમાં કોંગ્રેસ નામશેષ થવાના માર્ગે હોવાથી પાકિસ્તાન સત્તા વર્તુળમાં નિરાશાનું વાતાવરણ છે. એટલે જ કોંગ્રેસને નૈતિક ટેકો આપવા માટે પાકિસ્તાન રાહુલ ગાંધીની પ્રશંસા કરી રહ્યું છે. સમાજવાદી પક્ષના ઉમેદવારે ભારતના મુસ્લિમોને `વોટ જિહાદ' કરવાનું આહ્વાન કર્યા પછી પાકિસ્તાન નેતાઓ દ્વારા રાહુલની પ્રશંસા થવી સૂચક છે.  મોદીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ફવાદ ચૌધરીને પૂછ્યું છે કે, પાકિસ્તાનને રાહુલ ગાંધી જ વડા પ્રધાન બને એમાં શું રસ છે? કોંગ્રેસના વિજયને લઈ પાકિસ્તાનમાં વિજયોત્સવ શા માટે ઊજવાય છે, એમ કહી મોદીએ કોંગ્રેસ-પાકિસ્તાન એક જ વેવલેન્થ પર હોવાનું સૂચિત કર્યું છે. મુંબઈમાંનો 26/11નો ભીષણ હુમલો એ નાનું યુદ્ધ જ હતું, છતાં પાકિસ્તાનને `આકરા શબ્દો'માં વિરોધ કરતો પત્ર લખ્યા સિવાય કોંગ્રેસ સરકારે કંઈ જ નહોતું કર્યું.

ત્યારે કોંગ્રેસના દિગ્વિજય સિંહ, સુશીલકુમાર શિંદે અને પી. ચિદમ્બરમ `ભગવો આતંકવાદ'નો અપપ્રચાર કરી રહ્યા હતા. અનેક કટ્ટર મુસ્લિમ આતંકવાદીઓએ કાશ્મીરમાં અને ભારતના અન્ય વિસ્તારોમાં કરેલા હિંસાચારનું વર્ણન કોંગ્રેસે ક્યારે પણ `ઈસ્લામી કે હિરવા આતંકવાદ' નથી કહ્યું. વાસ્તવમાં ઊરી અને પુલવામામાં વિસ્ફોટ કરી ભારતના સૈનિકોનો જીવ લીધા પછી મોદીએ પાકિસ્તાનમાં છૂપાઇ બેઠેલા આતંકવાદીઓના વિરોધમાં કાર્યવાહી કરી હતી, ત્યારથી પાકિસ્તાને ભારતમાં દુ:સાહસ નથી કર્યું. આ જ કોંગ્રેસ અને ભાજપ સરકારમાંનો ફરક છે.

ભારતને નબળું પાડવા ભારતના પડોશી દેશો પ્રયત્નશીલ છે. કમનસીબે વિદેશી શક્તિને બળ આપનારા `હાથ' ભારતમાં જ છે. ભારતને લશ્કરી શક્તિના જોર પર નમાવવું એ બન્ને પાડોશીને સમજાઇ ચૂક્યું છે, તેને લઈ હવે તેઓએ કેંગ્રેસ, રાહુલને હાથમાં લઈ મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. `વોટ જિહાદ'ની કલ્પના હવામાંથી નથી આવી. મુસ્લિમ મતોના ધ્રુવીકરણના જોર પર ભાજપનો વિજયરથ રોકવાનો આ નબળો પણ નિર્ધારયુક્ત પ્રયાસ છે. કોંગ્રેસે `ભારત તેરે ટુકડે ટુકડે હોંગે' અને `લેકે રહેંગે આઝાદી' જેવી ઘોષણા આપનારા કન્હૈયાકુમારને દિલ્હીથી લોકસભાની ઉમેદવારી આપી છે. કોંગ્રેસનો ભારતવિરોધી અને પાકિસ્તાન પ્રેમનો આનાથી બીજો પુરાવો શું હોઇ શકે?

ઇ-પેપરના નવા શુલ્ક