• રવિવાર, 19 મે, 2024

હવે રાયબરેલી પર સૌની નજર 

રાહુલ ગાંધીને અમેઠીના બદલે રાયબરેલીની બેઠક ઉપર ચૂંટણી લડાવવાના કૉંગ્રેસના નિર્ણય પાછળ સીધી ગણતરી છે - જોખમ ઓછું છે. અમેઠીમાં સ્મૃતિ ઇરાનીનો લોકસંપર્ક અને લોકપ્રિયતાનો અંદાજ મેળવ્યા પછી રાયબરેલી `સલામત' જણાઈ છે પણ અમેઠીમાં તેઓ `રણ છોડ' તરીકે ઓળખાશે અને રાયબરેલીમાં જીતે તોપણ પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે. ગાંધી - નેહરુ પરિવારની રાજકીય જાગીર ગણાતી બંને બેઠકો ગાંધી પરિવાર માટે `પ્રતિષ્ઠા'ની બેઠક બની ગઈ છે. અહીં હાર્યા પછી રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં રાજ્યાશ્રય લીધો અને ત્યાં મતદાન પૂરું થાય નહીં ત્યાં સુધી ઉત્તર પ્રદેશની `જાગીર' બાબત અન્ય `ડમી' નામ હવામાં ફરતા રાખ્યા. રહસ્ય જાળવી રાખવાના પ્રયાસ કર્યા પણ આખરે રાયબરેલી ઉપર પસંદગી ઉતારી તેનાથી આશ્ચર્ય નથી.

વાત એવી ચલાવવામાં આવી કે ભાઈ-બહેન - બંને બેઠકો ઉપર લડશે પણ પરિવાર - રીતે પોતપોતાના ક્ષેત્રમાં બંધાઈ જાય તો જોખમ વધુ હતું. હવે રાયબરેલીમાં પ્રચારની જવાબદારી પ્રિયંકા વડરા-ગાંધીની હશે.

કેરળ કૉંગ્રેસ અને વાયનાડના મતદારોએ માગણી કરી છે કે રાયબરેલીમાં જીતે તો પણ રાહુલ ગાંધી વાયનાડ નહીં છોડે. માગણી વધુ પડતી છે. રાયબરેલી જીતીને ગાંધી પરિવાર ઉત્તર પ્રદેશ ઉપર હક અને હાક જમાવવાનું પસંદ કરશે. દૃષ્ટિએ રાયબરેલી હવે સૌના ધ્યાન ઉપર - કેન્દ્રમાં હશે.

રાયબરેલીની સ્થિતિ અમેઠીથી અલગ નથી. રાયબરેલીએ સતત ગાંધી પરિવારને જિતાડવાનું કામ કર્યું છે, પરંતુ આના પછી પણ ગાંધી પરિવારે ક્યારે પણ રાયબરેલીના વિકાસ પર ધ્યાન નથી આપ્યું એવી સ્થાનિક લોકોની ફરિયાદ છે અને કહેવું છે કે ગાંધી પરિવારે જનતાનું કામકાજ પણ પોતાના કેટલાક લોકોના ભરોસા ઉપર છોડી દીધું હતું.

રાહુલ ગાંધીએ અમેઠીનું મેદાન છોડીને રાયબરેલીની પસંદગી કરી તેની પાછળ કૉંગ્રેસની વ્યૂહરચના છે. એક મહિનાથી અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવાર પસંદગીને લઈ બનેલા સસ્પેન્સ પર અંતિમ ક્ષણોમાં પરદો ઊઠયો. રાહુલ ગાંધીએ રાયબરેલી અને અમેઠીમાં કિશોરીલાલ શર્માએ ભરેલા ઉમેદવારી પત્ર પછી કાર્યકર્તાઓ દ્વિધામાં છે. પણ ગાંધી-નેહરુ પરિવારનું રાજકારણ અને રાજકીય ક્ષેત્ર હોવાથી નિર્ણય આશ્ચર્યકારક નથી. રાયબરેલી અને અમેઠીમાં ગાંધી-નેહરુ પરિવારની પકડની દૃષ્ટિએ રાયબરેલીનું પલ્લું હંમેશાં ભારે રહ્યું છે. ઇમર્જન્સી પછી ગાંધી પરિવારને પ્રથમ વખત અહીં આંચકો લાગ્યો હતો.

ત્યાર પછી દેશ અને રાજ્યમાં થયેલી ચૂંટણીઓને લઈ અમેઠી વિધાનસભા ક્ષેત્રોમાં અપેક્ષિત સફળતા નહીં મળ્યા પછી કૉંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને આગળ કરવાની માગ ઊઠી હતી. પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સાથે સેકન્ડ રોલમાં જણાય છે.

પ્રિયંકા ભૂતકાળમાં પણ રાયબરેલી અને અમેઠીથી ચૂંટણી સંચાલન કરતાં આવ્યાં છે. જ્યાં સુધી કિશોરીલાલ શર્માને અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાત છે ત્યાં પક્ષના પદાધિકારીઓથી લઈ નાના કાર્યકર્તાઓ તેઓને સારી રીતે ઓળખે-સમજે છે. પણ જનતાની વચ્ચે તેમને માટે ખુદને સ્થાપિત કરવાનો પડકાર જરૂર રહેશે.

1977માં સંજય ગાંધી અમેઠીથી પહેલી ચૂંટણી લડયા હતા જ્યારે ઈન્દિરા ગાંધી રાયબરેલીથી ઉમેદવાર હતાં. જનતા પક્ષની લહેરમાં બન્નેને પરાજયનું મોઢું જોવું પડયું હતું. બન્નેએ 1980માં બેઠકો પરથી ચૂંટણી લડી, લોકોએ તેઓને જિતાડયા.

સોનિયા ગાંધી 2019માં રાયબરેલીથી જીત્યાં હતાં, પરંતુ તેઓ પોતાની જીતનું સર્ટિફિકેટ લેવા રાયબરેલી નહોતાં આવ્યાં જે રાયબરેલીએ તેમને સતત પાંચ વેળા સાંસદ બનાવ્યાં, અંતમાં તેમણે તેને પણ છોડી દીધું અને રાજ્યસભાના પાછલા દરવાજેથી સંસદમાં પહોંચી ગયાં છે. 2014માં ચૂંટણી હાર પછી પણ સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં જનસંપર્ક જાળવી રાખ્યો જ્યારે 2019માં હાર્યા પછી રાહુલ ગાંધી ક્યારે પણ અમેઠી ગયા નહીં.

રાજ્ય સરકારના કામકાજના સહારે સ્મૃતિ ઈરાનીએ અમેઠીના લોકો વચ્ચે પોતાની છબી `જનતાનું કામ' કરનારા નેતાની બનાવી. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલને હરાવી દીધા. પછી રાહુલ ગાંધીએ વાયનાડમાં આશ્રય લીધો.

ભાજપ કામકાજના બળ પર લોકોનાં દિલોમાં રાજ કરે છે અને પોતાના કામકાજના સહારે જનતા પાસેથી વોટ માગે છે, એવો ભાજપ નેતાઓનો દાવો છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીને રાયબરેલીથી પણ અમેઠીની જેમ હારનો સામનો કરવો પડશે. રાહુલના અમેઠી છોડવાથી દેશભરના કૅંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં સંદેશ ગયો છે કે ગઈ ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીથી પરાજિત થવાના કારણે વેળા તેઓ સામનો કરવાનું સાહસ નથી કરી રહ્યા. પ્રશ્ન પણ છે કે રાહુલ ગાંધી વાયનાડની સાથે રાયબરેલીથી પણ જીતી જાય છે તો કઈ બેઠક ખાલી કરશે? રાહુલ માટે વાયનાડ અને રાયબરેલીમાંથી કોઈપણ એક બેઠકની પસંદગી કરવી આસાન નહીં હોય. કારણ કે કેરળમાં બે વર્ષ પછી વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. જો તેઓ વાયનાડ છોડે તો કેરળની જનતામાં ખોટો સંદેશ જશે અને જો રાયબરેલી છોડે તો એમ માનવામાં આવશે કે તેઓ પોતાનાં દાદી અને માતાનાં મતદાન ક્ષેત્ર કરતાં વાયનાડને વધુ મહત્ત્વ આપે છે. રાહુલ માટે રાયબરેલી છોડવું મુશ્કેલ હશે. કારણ કે આનાથી ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની ફરી બેઠા થવાની સંભાવનાઓ વધુ નબળી પડી જશે.

તેમણે જે રીતે અમેઠીના બદલે રાયબરેલીની પસંદગી કરી છે, તેનાથી સહયોગી પક્ષ સમાજવાદી પક્ષની ચૂંટણી સંભાવનાઓ પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. છાપ એવી પડી છે કે રાહુલ ગાંધીમાં જોખમ લેવાની ક્ષમતા નથી. રાજનીતિમાં ખુદને સ્થાપિત કરવા અને પોતાના કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટે નેતાઓએ રાજકીય જોખમ લેવા માટે તૈયાર પણ રહેવું જોઈએ. અમેઠીની સરખામણીમાં રાયબરેલીની બેઠક આસાન હશે એવી ગણતરી છે પણ અમેઠીનું રણમેદાન છોડયા પછી રાયબરેલીમાં જીત થાય તો પણ તેનું મૂલ્ય ઘટી ગયું હશે.

ઇ-પેપરના નવા શુલ્ક