• સોમવાર, 20 મે, 2024

મુંબઈ લોકલની ગિરદી ઘટશે?  

લોકલ ટ્રેનની ગિરદી ઓછી થાય અને ચડવાથી ઉતારુના જીવ જાય નહીં તે માટે મધ્ય રેલવેએ કરેલી અપીલને પ્રતિસાદ આપતાં મોટાભાગનાં કાર્યાલયોએ કામના સમયમાં ફેરફાર કર્યો છે. તે પછી રેલવેએ પણ સમયપત્રકમાં ફેરફાર અને વધારાની ફેરીઓ ચલાવવાનું અપેક્ષિત હતું, પરંતુ રેલવે તંત્ર આના પર કોઈ જ કાર્યવાહી નથી કરતું એવો રોષ રેલવે પ્રવાસી સંગઠનોએ કર્યો છે.

મધ્ય રેલવેના પ્રવક્તાનું કહેવું છે કે લોકલમાં ગિરદી ઓછી કરવા માટે લગભગ 800થી અધિક કાર્યાલયોને સમય બદલવાની વિનંતી કરી છે. હજી સુધી ફક્ત 33 કાર્યાલયોએ આ માટે સંમતિ આપી છે. મધ્ય રેલવે બધાં કાર્યાલયોને વિનંતી કરે છે કે તેઓ સ્વયંભૂ કાર્યાલયનો સમય બદલવાનો પ્રયાસ કરે, જેને લઈ કર્મચારીઓનો પ્રવાસ સુવિધાજનક રહેશે અને ભયજનક રીતે પ્રવાસ કરવાનું પ્રમાણ ઘટશે. કાર્યાલયોએ હવે રેલવેની અપીલને માન આપવું જોઈએ.

લોકલની ગિરદીને લઈ અકસ્માતોની સંખ્યા વધે છે તેના ઉપાય તરીકે ગિરદીનું મૅનેજમેન્ટ કરવું જોઈએ. આવશ્યક સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવી જોઈએ. લોકલની ફેરીઓ વધારવી જોઈએ. સ્ટેશનો પર પણ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. એસી લોકલની ટિકિટનાં ભાડાં ઓછાં કરવાં જોઈએ. લોકલનાં ભાડાં ઓછાં રાખવાં ઉપરાંત લાંબેથી આવતી લોકલની ફેરીઓ વધારવી જોઈએ, ઉતારુ અને ખાસ કરીને મહિલા ઉતારુઓની સુરક્ષા માટે નક્કર આયોજન હવે અનિવાર્ય છે. એસી લોકલ વધારીને રેલવે પ્રવાસ આરામદાયક બનાવવો જોઈએ. ચોમાસામાં રેલવે પાટા પર ભરાતાં પાણીનું નિરીક્ષણ ઈત્યાદિ પર સર્વપક્ષીય લોકપ્રતિનિધિઓએ એકત્ર થઈ કામ કરવું જોઈએ. ટેક્નિકલ ખરાબીના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવે તે વેળા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પરફેક્ટ હોવી જોઈએ અને સતત પરિસ્થિતિની તાજી સ્થિતિ વિશે ઘોષણા થાય તો ઉતારુઓ પાટા પર ઉતરીને ચાલતા જવાનું ટાળશે અને અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે. વધતી વસ્તી, તેને લઈ વધેલા રેલવે ઉતારુઓ માટે રેલવે પોલીસ દળ અને અત્યાધુનિક ટેક્નૉલૉજી મુંબઈ લોકલ રેલવે મંડળે અમલમાં મૂકવી જોઈએ.

લોકલ મુંબઈની શાન છે, પણ ભૂતકાળમાં લોકો સહકુટુંબ આરામથી પ્રવાસ કરતા હતા તે હવે શક્ય નથી. રાજ્યમાં રોજગાર માટે આવતા લોકોની સંખ્યા વધી છે. તેથી લોકલ પર તાણ પડે છે, આ તાણ લોકલ પણ ક્યાં સુધી સહન કરશે? તેના પર ગંભીર વિચારણા કરવી ઘટે.