• સોમવાર, 20 મે, 2024

ભયજનક ઇમારતો અને મુંબઈ  

મુંબઈ મહાપાલિકાની વિવિધ વૉર્ડમાંની રહેણાક ઇમારતેમાંથી 118 બિલ્ડિંગો અતિભયજનક અને તૂટી પડવાની સ્થિતિમાં હોવાનું જણાયું છે. `સી-1' શ્રેણીમાં આવતી આ ઇમારતોની યાદી પાલિકાની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ ઇમારતો રહેવા માટે ભયજનક હોવાથી તેમાં રહેનારા રહેવાસીઓને અન્યત્ર સ્થળાંતર કરે એવી અપીલ પાલિકાએ કરી છે. દર વર્ષે ચોમાસા પહેલાં પાલિકા આ ક્વાયત હાથ ધરે છે, પણ કોઈ કાયમી ઉકેલ શોધવાની દાનત જણાતી નથી.

 આ ઇમારતો ચોમાસા પહેલાં ખાલી કરાવી સંભવિત દુર્ઘટનામાં જાનહાનિ નહીં થાય તેની સાવચેતી લેવાનો પડકાર મુંબઈ મહાપાલિકા સમક્ષ છે. જોકે, કેવળ મુંબઈ જ નહીં, થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, વસઈ, વિરાર, મીરા-ભાયંદર, નવી મુંબઈ મહાપાલિકા હદમાં પણ આ પ્રશ્ન સપાટી પર આવ્યો છે અને ત્યાંની પાલિકાઓ પણ સજ્જ બની છે. 

મહાપાલિકાના અધિકારીઓ સાથે સાઠગાંઠ દ્વારા બેફામ ઊભાં કરવામાં આવેલાં અનેક અનધિકૃત બાંધકામોનો ભય અને વ્યાપ અનેક વર્ષોથી વધી જ રહ્યો છે. બાંધકામના નિયમોની ઉપેક્ષા કરી મોટી બિલ્ડિંગો ઊભી થઈ રહી હોય ત્યારે મહાપાલિકાના અધિકારીઓના આંખે પાટા બાંધેલા હોય છે? એક બાજુ ભયજનક બિલ્ડિંગો ખાલી કરો એવી પાલિકાની ચેતવણી અને બીજી બાજુ પુનર્વિકાસની પરવાનગી મળવામાં થતો વિલંબ એમાં રહેવાસીઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થતી હોય છે. જોકે, મ્હાડાના અધિકારોઓના પેટનું પાણી નથી હલતું. પુનર્વિકાસની પરવાનગી મળ્યા પછી જ બીલ્ડર ભાડું શરૂ ન કરતા હોવાથી ભાડાં વિના ઘર કેવી રીતે ખાલી કરવું એવો પ્રશ્ન રહેવાસીઓ સમક્ષ હોય છે.

મ્હાડા દ્વારા જૂની અને જર્જરિત સેસવાળી બિલ્ડિંગોનું વરસાદ પહેલાં સર્વેક્ષણ કરવામાં આવે છે. ગયા વર્ષે ભારે ભયજનક 15 બિલ્ડિંગો જણાઈ હતી. આમાંની સાત બિલ્ડિંગો તો આ વખતની યાદીમાં પણ છે એટલે આ પ્રશ્ને કાયમી સ્વરૂપનો ઉકેલ શોધવાને બદલે પોતાનું કામ ર્ક્યાનો સંતોષ અને થાબડભાણા કરવાનો અભિગમ સ્પષ્ટ દેખાય છે. મકાન દુર્ઘટના થયા બાદ ઘટનાસ્થળે દોડી જતાં લોક પ્રતિનિધિઓ દુર્ઘટના સુધી રાહ શેના માટે જોતાં હશે એ પ્રશ્ન છે. યાદીઓ બને છે છતાંય દુર્ઘટના અટકતી નથી, પણ આ બધું ગંભીરતાથી લેવાની ચિંતા કોઈને નથી.