• સોમવાર, 20 મે, 2024

ઓછું મતદાન  

ચૂંટણી પંચ અને સરકારના અનેક પ્રયાસો છતાં મતદાન પ્રત્યે લોકોમાં એ ઉત્સાહ નથી દેખાતો, જે દેખાવો જોઈએ. લોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કા બાદ ત્રીજા તબક્કામાં પણ મતદાન છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ઓછું છે. હિટવૅવના પગલે મતદારો કાં તો સવારે અથવા બપોર બાદ મતદાન કરવા નીકળતાં લાંબી લાઈનો લાગે છે. મતદાનનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં લોકો મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે માટે ઘણાં મતદાન કેન્દ્રોમાં મોડે સુધી વોટિંગની સુવિધા અપાઈ હતી. આમાં ચૂંટણી પંચ મતદાનની ટકાવારીમાં સુધારો થવાની ધારણા રાખે છે.

આમ છતાં મતદાનની ટકાવારીના મુદ્દાને લઈ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શંકા વ્યક્ત કરી છે અને સત્તાપક્ષ આ ટકાવારી પોતાના હિતમાં વધારતો હોવાનો આડકતરો આક્ષેપ પણ કર્યો છે. આ અગાઉ તેમને ઈવીએમ સામે વાંધો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે ઈવીએમ અંગેની તમામ શંકાઓ દૂર કર્યા પછી હવે મતદાનની ટકાવારીને લઈ ખડગે ઉતરતી કક્ષાનું રાજકારણ રમી રહ્યા છે. ઈવીએમની શંકા વેળા પણ સામી દલીલ એવી હતી કે તેમાં ઘાલમેલ-ગોલમાલ શક્ય હોત તો ભાજપે અનેક રાજ્યોમાં સત્તા ગુમાવી જ ન હોત. કૉંગ્રેસ તથા અન્ય સ્થાનિક પક્ષોની સરકારો દેશનાં અનેક રાજ્યોમાં છે. ખડગે હવે મતોની ટકાવારીમાં ઘાલમેલ દેખાય છે તેની યાદી બનાવી પરિણામ આવે ત્યારે તેની  સરખામણી કરી પોતાની શંકા સાચી હતી કે ખોટી તે દાખવવાની હિંમત કરશે?

સત્તા પક્ષ એનડીએનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપ અને સહયોગી પક્ષોના સમર્થક પહેલાની જેમ જ મત આપી રહ્યા છે. તેઓ આમાં ભાજપની ચુસ્ત ચૂંટણી મશીનરીનો પણ ખાસ ઉલ્લેખ કરે છે. આનાથી વિપરીત વિપક્ષ છાવણીનું એમ કહેવું છે કે  2014 અને 2019ની ચૂંટણીઓને મોદી સમર્થક મતદાતાઓના ઉત્સાહે ખાસ બનાવી હતી. આ વેળા લોકોમાં એવો જોશ અને ઉત્સાહ નથી. તેઓ કહે છે કે આ તથ્ય મતદાન ટકાવારીમાં જોવા મળ્યું છે એનો પડઘો પરિણામમાં પણ ઝીલાશે.

લક્ષદ્વીપમાં ભારે મતદાન થયું છે, પશ્ચિમ બંગાળમાં આશા અનુરૂપ થઈ રહ્યું છે, પરંતુ બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં ઓછું મતદાન થઈ રહ્યું છે. ઓછું મતદાન સત્તા પક્ષ અને વિપક્ષ બંને માટે સાવચેતીનો સંદેશ છે, ક્યાંક મતદારો બંનેથી પ્રભાવિત નથી એવું તો નથી ને?

આ ચૂંટણી પ્રક્રિયાની જીવંતતાનું એક ઉદાહરણ એ પણ છે કે અત્યાર સુધીના તબક્કાઓમાં મતદાતાઓના પ્રતિસાદના આધાર પર વિભિન્ન પક્ષોની પ્રચાર રૅલીમાં ખાસ બદલાવ દેખાઈ રહ્યો છે. પહેલા અને બીજા તબક્કા પછી ચૂંટણી પ્રચાર આકરો હતો. જોકે, ભાજપના નેતાઓનાં ભાષણો, નિવેદનોમાં સંયમિત ભાષા જણાય છે તો વિપક્ષોમાં હારના ડરની ઝલક જોવા મળે એવાં ભાષણો-નિવેદનો થઈ રહ્યાં છે. વિપક્ષે આ વેળા લોકતંત્રને પણ ચૂંટણી મુદ્દો બનાવી દીધો છે. સત્તા પક્ષ પણ પાછળ ન રહેતાં એવો આક્ષેપ કરી રહ્યો છે કે વિદેશી શક્તિઓ આ ચૂંટણીના રિઝલ્ટને પ્રભાવિત કરવાના પ્રયાસમાં છે. ઓછા મતદાનનાં જેમ અનેક કારણો છે, તેમ તેના પરથી તારણો પણ અનેક કાઢી શકાય છે. જોકે, તેની ખરી અસરનું વિશ્લેષણ તો ચોથી જૂને પરિણામ આવ્યાં બાદ જ થઈ શકશે.