• બુધવાર, 22 મે, 2024

મોતનાં હોર્ડિંગ્સ  

સોમવારે સાંજે ભારે વરસાદ અને ધૂળની ડમરીઓ ઊડતાં મુંબઈ, નવી મુંબઈ, થાણે પરિસરમાં બપોરે પણ રાત જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર એક મોટું ગેરકાયદે હોર્ડિંગ્સ તૂટી પડતાં 14 જણનાં મૃત્યુ થયાં છે જ્યારે અનેક ઘાયલ થયા છે. અનેક સ્થળોએ વૃક્ષો ઉખડી પડયાં છે અને વિમાન ઉડ્ડયનો પર અસર પહોંચી છે. થાણે-મુલુંડ દરમિયાન સિગ્નલનો થાંભલો વળી જઈ ઓવરહેડ વાયર પડતાં કલાકો સુધી મધ્ય રેલવેની સેવા ખોરવાઈ જતાં લાખો લોકોની હાલાકીનો પાર નહોતો રહ્યો.

ચોમાસાના આગમન માટે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ધૂળના તોફાન સાથેના વરસાદમાં ઘાટકોપરની ઘટના ખાસ ધ્યાન ખેંચનારી છે. રાજ્યનાં બધાં શહેરોમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને મહાપાલિકા અધિકારીઓથી હાથ મિલાવણી કરી ફાવે એમ હોર્ડિંગ્સ, જાહેરાતનાં પાટિયાં મૂકીને શહેરને વિદ્રુપ કરવાના પ્રકારોને લગામ તાણવા માટે નગરવિકાસ વિભાગે 2022માં હોર્ડિંગ્સ પૉલિસી જાહેર કરી હતી, પરંતુ પોલિસીની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કર્યાનું ઘાટકોપરની ઘટનામાં જણાય છે. ઘાટકોપરનું હોર્ડિંગ્સ પૉલિસીના નિયમ કરતાં ત્રણ ગણું મોટું હતું. જો તે `િનયમાનુસાર' હોત તો આપત્તિ વહોરી લેવાની સ્થિતિ કે હાનિ ઓછી થઈ હોત.

ઘાટકોપરના બનાવમાં આંચકાજનક વાત છે કે હોર્ડિંગ્સમાંની જાહેરાત બરાબર દેખાય તે માટે ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે પરનાં વૃક્ષો પર વિષપ્રયોગ થયો હતો. જોકે પોલીસે સંદર્ભમાં ગુનો નોંધ્યો હતો. હોર્ડિંગ્સ અનધિકૃત હોવાથી પાલિકાએ પરવાનગી નહોતી આપી, પરંતુ રેલવેની હદમાં પરવાનગી હોવાને લઈ હોર્ડિંગ્સ હતું. જાનહાનિ, માલહાનિ શહેરી વિસ્તારમાં થઈ છે. હવે ચોમાસા પહેલાં શહેરનાં બધાં હોર્ડિંગ્સોનું અૉડિટ કરી, અનધિકૃત હોય તે દૂર કરી પાલિકાએ તે દૂર કરતી વેળા પોતાની હદમાં નહીં આવતાં હોવા છતાં લોકો માટે ભયજનક ઠરે એવી રીતે બીજી હદોમાં ઊભાં કરવામાં આવેલાં હોર્ડિંગ્સો અંગે કાર્યવાહી કરવી ઘટે.

વરસાદમાં મુંબઈમાં ઝાડ તૂટી જવાથી ઘણાં મોત થયાં છે, ખુલ્લી ગટરોમાં પડી જવાથી પણ ઘણાં મરણ થયાં છે, છાપરાઓ કે ઘરના ભાગ તૂટી પડવાના બનાવો પણ જીવલેણ બન્યા છે અને આવા બનાવોમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટૂંકમાં મુંબઈગરા માટે વરસાદમાં મુંબઈના રસ્તાઓ પર ચાલવું એક પડકાર થઈ ગયો છે. ઘાટકોપરની ઘટનાને મુંબઈમાં આવનારા ચોમાસાનું ટ્રેલર સમજી હવે વરસાદ મુંબઈગરા માટે ભયરહિત બને તે માટે યુદ્ધના ધોરણે સરકારી તમામ તંત્રોએ કામે લાગવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક