ભારત-કૅનેડાના સંબંધો છેલ્લાં થોડાંક વર્ષોથી ટાઢાબોળ હતા અને વડા પ્રધાન માર્ક કાર્નીની ભારતયાત્રાને કારણે એમાં ઉષ્મા આવી છે. બદલતા વૈશ્વિક સમીકરણ વચ્ચે કૅનેડાને ભારતની મહત્તા સમજાઈ રહી હોય એવું લાગે છે. મુંબઈમાં બિઝનેસ ક્ષેત્રના માંધાતાઓ સાથેની બેઠક બાદ કાર્નીની ચાર દિવસની આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવી શરૂઆત થવાનાં એંધાણ છે. કૅનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સાથી પક્ષોના શીખ પ્રતિનિધિઓને રાજી રાખવા નવી દિલ્હીમાં ખેડૂત આંદોલનો વખતે કરેલી ટિપ્પણી ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ જેવી હતી અને એ પછી કૅનેડાની ધરતી ખાલિસ્તાનવાદી કૅનેડિયન શીખની હત્યા માટે ભારત પર તહોમત લગાડવા જેવાં પગલાં બાદ બંને દેશો વચ્ચેના સંબંધ સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતા. જોકે, ગયા વર્ષે માર્ચમાં કાર્ની ચૂંટાઈ આવ્યા એ પછી કૅનેડાનો અભિગમ સદંતર બદલાયો. ગયા વર્ષે જૂન અને પછી નવેમ્બરમાં વડા પ્રધાન મોદી અને કાર્ની વચ્ચેની બેઠકોથી સકારાત્મકતા ઓર વધી છે અને દોઢેક દાયકાથી અટકી પડેલા ઇન્ડિયા-કૅનેડા કૉપ્રિહૅન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ પર વાટાઘાટો આગળ વધશે. અમેરિકાના ટેરિફ તકાદા પછી કૅનેડા માટે વેપાર બાબતે આ દેશ પર મદાર ઘટાડી નવા ટ્રેડ ભાગીદારો બનાવવા જરૂરી છે. આથી ભારતની અવગણના કરવાનું હવે તેને પાલવે એમ નથી. કૅનેડાની જેમ જ ભારતને પણ અમેરિકાની ટેરિફ નીતિનો ફટકો પડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટેરિફ ઘટી હોવા છતાં આ મોરચે અનિશ્ચિતતા યથાવત્ છે. દાવોસ જેવા મંચ પરથી ટ્રમ્પની નીતિઓની વિરુદ્ધ કાર્નીએ બોલવાની હિંમત કરી હતી અને કૅનેડા કોઈપણ દબાણ હેઠળ નહીં આવે એવો હુંકાર પણ કર્યો હતો. ભારતને પણ કૅનેડા સાથેના સહયોગથી ઊર્જા ક્ષેત્રમાં તથા નાગરી પરમાણુ ઊર્જા તથા યુરેનિયમ ધાતુ માટેનો કરાર અને કૅનેડિયન ક્રૂડતેલ માટેની સમજૂતીમાં રસ છે. જે ઝડપે ભારત અને કૅનેડાએ સંબંધોમાં સુધારણા લાવવાની દિશામાં કાર્ય કર્યું છે એનાથી એ તો સ્પષ્ટ છે કે બંને વડા પ્રધાનો આજની વૈશ્વિક વાસ્તવિકતાઓથી સુપેરે વાકેફ છે.