• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

સમસ્યા તરફ આરટીઓ ધ્યાન આપે

ટૅક્સી અને રિક્ષાચાલકોને મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત હોવું જોઈએ એવા રાજ્ય સરકારના નિર્ણયની અમલ બજાવણીના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ ખાતા દ્વારા નિરીક્ષણ-ચકાસણી શરૂ કરાઈ છે. પહેલા દિવસે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં હાથ ધરાયેલી ચકાસણીમાં 85 ટકા ટૅક્સી-રિક્ષાચાલકો પાસ થયા છે. તો, રાજ્યની ટકાવારી પણ આની આસપાસ છે, આગામી ત્રીસમી સપ્ટેમ્બર સુધી અભિયાન ચાલવાનું છે. મરાઠી ફરજિયાત આવડવી જોઈએ એમાં આમ તો કશું અજુગતું નથી, પણ લોકલાગણી એવી છે કે, ટ્રાન્સપોર્ટ ખાતાએ નાગરિકોને કનડતી સમસ્યાઓ અને અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. રિક્ષા-ટૅક્સીચાલકોની મનમાની અને આરટીઓ કાર્યાલયમાં સામાન્ય નાગરિકોને ભોગવવી પડતી હાલાકી અને ભ્રષ્ટાચાર ઓછો થાય દિશામાં કામ કરવાને બદલે રસ્તા પર ડ્રાઈવરોની પરીક્ષા લેવા નીકળી પડેલા ટ્રાન્સપોર્ટ ખાતાના સ્ટાફને જોઈને આવો વિચાર આવે સ્વાભાવિક છે. જે ચાલકો મરાઠી પરીક્ષામાં નપાસ થયા છે, તેમને કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી છે, જેનો જવાબ તેમણે એક મહિનાની અંદર આપવાનો રહેશે. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું કહેવું છે કે, કમર્શિયલ વાહનોના ચાલકોને મરાઠી ભાષાનું જ્ઞાન હોય બાબત પેસેન્જરોની સહુલિયત અને સુરક્ષા સાથે સંકળાયેલી છે. શરૂઆતથી અભિયાન પ્રત્યે નારાજગી છે, પણ ભાષાના મુદ્દે ભૂતકાળમાં થયેલી કામગીરીઓ જોતાં જાહેરમાં કોઈએ વિરોધ નોંધાવ્યો નથી. જોકે, ડ્રાઈવરોને મરાઠી ભાષા શીખવવા માટે વિવિધ જૂથો પણ આગળ આવ્યાં હતાં. એક પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે, જે ઉત્સાહથી નિર્ણયની અમલ બજાવણી થઈ રહી છે, એવો તરવરાટ ખાતું નાગરિકોની સમસ્યાઓ બાબતે ક્યારે દેખાડશે

આરટીઓ સરકારી ખાતાઓમાં સૌથી ભ્રષ્ટમાંથી એક ગણાય છે, હાલમાં વિભાગના સિનિયર અધિકારીઓના કૉલનું રેકર્ડિંગ બહાર આવ્યું હતું, જેમાં લાંચની રકમની વહેંચણી અંગે વાત થઈ રહી હતી. આંતરિક ગંદકીની સફાઈ કરવાને બદલે રિક્ષા-ટૅક્સી ડ્રાઈવર્સને મરાઠી ભાષા આવડવી જોઈએ મુદ્દા પર ભાર અપાઈ રહ્યો છે. મુંબઈ-થાણે-પાલઘર તથા આસપાસનાં પરાંમાં રહેતા નાગરિકોની એક સામાન્ય ફરિયાદ છે કે, અહીં રિક્ષામાં મીટર તો છે પણ ચાલકો મનફાવે તેમ ભાડાં વસૂલે છે અને મીટર મુજબ કોઈ ચાલતું નથી. વર્ષોથી સમસ્યા ઉકેલવામાં પરિવહન ખાતાને રસ નથી. જે રાજ્યમાં રહેતા હોઈએ ત્યાંની ભાષા આવડવી જોઈએ, પણ એના માટે સખતી કરવી અયોગ્ય છે. મજાની વાત છે કે, રિક્ષા-ટૅક્સી ચલાવવા માટેનો બિલ્લો મળે પહેલા તેમની આવી ટેસ્ટ લેવાતી હોય છે, તો પછી અલાયદી ટેસ્ટનો અર્થ શો? ખરા મુદ્દા અને સમસ્યાઓ તરફ આંખ આડા કાન થઈ રહ્યાની લાગણી ડ્રાઈવરો ઉપરાંત સામાન્ય માણસમાં પણ છે

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ