• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

રાજકીય ભવાઈ શા માટે?  

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલની `ઈડી' અધિકારીઓએ સાડા નવ કલાક પૂછપરછ કરી છે. પાટીલને ઈડીનું સમન્સ આવ્યું છે તેવી જાણ થતાં જ મુંબઈના ઈડી કાર્યાલય બહાર સવારથી જ કાર્યકર્તા ભારે પ્રમાણમાં એકઠા થયા હતા અને તેઓએ ઈડી અને ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. સાંગલી સહિત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ આવાં જ આંદોલન થયાં છે. આ પહેલાં શરદ પવાર, અજિત પવાર, છગન ભુજબળ, અનિલ દેશમુખ, નવાબ મલિક, પ્રફુલ્લ પટેલ, એકનાથ ખડસે, હસન મુશ્રીફ, પ્રાજક્તા તનપુરે, અનિલ ભોસલે જેવાં રાષ્ટ્રવાદીના 10 નેતા પણ ઈડીની રડાર પર હતાં. 

એક સરકારી એજન્સી કોઈ નેતાને પૂછપરછ માટે બોલાવે તો તેની વિરુદ્ધમાં શેરીમાં ઉતરી આક્રમક બનવું ગુનાના એકરાર સમાન છે. તપાસ એજન્સીને તમારા વ્યવહાર બદલ શંકા હતી એટલે તમને પૂછપરછ માટે બોલાવ્યા. જો પૂછપરછ માટે બોલાવવામાં આવે અને તમારા ધબકારા વધી જાય તો પ્રશ્ન થાય છે કે તમે કંઈ ખોટું ન કર્યું હોય તો પૂછપરછનો વિરોધ કરવાનું કારણ શું? શેરીઓમાં ઉતરી રાજકીય ભવાઈ કરવાનું કારણ શું? પણ અનિલ દેશમુખ અને નવાબ મલિકની જેમ પોતાને પણ જેલમાં નહીં જવું પડે ને, આ ભયથી પાટીલ અને તેમના કાર્યકર્તાઓએ રાજકીય ભવાઈ કરી હોવી જોઈએ.

ઈડી બોલાવે એટલે જાહેરમાં કાગારોળ મચાવવાનું કોઈ કારણ નહોતું, પણ સત્તા ગઈ એટલે તમે અને તમારા પાલનકર્તા, મોટા સાહેબ રાજ્યમાં અસ્થિરતા નિર્માણ કરવાની તક જ શોધતા હોય છે, આ એક નહીં અનેક વેળા સિદ્ધ થયું છે. મહારાષ્ટ્રની સત્તા એટલે આપણી જાગીર છે એમ માનનારાઓ પૈકી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ છે. હવે સત્તા મેળવવા રાષ્ટ્રવાદીના 

ધમપછાડા ચાલુ જ છે. જોકે, રાજકીય ભવાઈ કરવા કરતાં ઈડીની કચેરીએ ગુપચુપ પાટીલ પહોંચ્યા હોત તો તેમની પ્રતિષ્ઠામાં વધારો થયો હોત. તમે જો પ્રામાણિક હો તો આવી ગમે તેટલી પૂછપરછ થઈ હોત તો પણ તેમનો વાળ વાંકો થયો નહોત, પણ `ચોર કી દાઢી મેં તિનકા' જેવું છે. જયંત પાટીલનું આવું કંઈક લાગે છે એટલે જ તેમને રાજકીય ભવાઈની આવશ્યક્તા જણાઈ છે. નોંધનીય એ છે કે ઈડીએ અત્યાર સુધી બોલાવેલા રાષ્ટ્રવાદી નેતાઓ છગન ભુજબળ, અનિલ દેશમુખ, શરદ પવાર ત્રણે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન રહી ચૂક્યા છે. પ્રશ્ન એ થાય છે કે આટલી માત્રામાં રાષ્ટ્રવાદીના નેતા ઈડીના રડાર પર શા માટે છે. તેમના પ્રધાન નવાબ મલિક તો હજી જેલમાં છે શા માટે? શું કાયદાને પણ નવાબ પ્રતિ પૂર્વગ્રહ છે?

અહીં સમીર વાનખેડે પ્રકરણનો ઉલ્લેખ પણ સમયોચિત લેખાશે. રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેને સમીર વાનખેડે સાથે જે કંઈ થઈ રહ્યું છે તે અન્યાયકારક જણાતું લાગે છે અને તેઓએ આ પ્રકરણ સંસદમાં ઉપસ્થિત કરવાની વાત કરી છે. સૌ જાણે છે કે શાહરુખ ખાનના પુત્ર આર્યનના કહેવાતા ડ્રગ કેસમાં સમીર વાનખેડે પર પચીસ કરોડ રૂપિયાની ખંડણી માગવાનો આક્ષેપ છે. આ અંગે કાયદાકીય લડાઈ ચાલુ છે. સમીર વાનખેડેની સીબીઆઈએ પૂછપરછ કરી છે અને કરવાની છે. જોકે, એકંદરે જે ચિત્ર ઊભું થયું છે તેને લઈ સમીર વાનખેડેની પ્રામાણિક અધિકારીની પ્રતિભા ખંડિત થઈ છે. સુપ્રિયા સુળે તેમની પડખે ઊભા રહી શું કહેવાતા ભ્રષ્ટ અધિકારીઓ સાથે પણ રાષ્ટ્રવાદી છે એવો સંદેશ આપવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ