• શનિવાર, 27 જુલાઈ, 2024

સુવર્ણયુગમાં કસોટી કાળ  

91મા વર્ષના આરંભે...

આપનું પ્રિય `જન્મભૂમિ' 91મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે શતાબ્દી ભણી કૂચના સહયાત્રી વાચકોનું અભિવાદન કરતાં ગૌરવ અનુભવે છે. વિતેલા એક વર્ષમાં દેશકાળની સ્થિતિમાં પરિવર્તન, ઘણી ઊથલપાથલ થઈ છે. લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી કેન્દ્રમાં એનડીએની મોદી સરકાર આવી છે, પણ છેલ્લાં દસ વર્ષ દરમિયાન થયેલી વિકાસ યાત્રાની ગતિ ધીમી પડવાની ભીતી છે. વિકાસના વિશ્વાસ સામે અવિશ્વાસ જાગવાની શકયતા છે. ફરીથી `મોરચા' સરકારો - એલાયન્સના નામે શરૂ થાય એવી દિશામાં રાજકારણ ધકેલાઈ રહ્યું છે. વિકાસ અને અર્થકારણના સ્થાને માત્ર સત્તાનું રાજકારણ હાવિ થઈ રહ્યું છે. લોકસભા પછી હવે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થશે અને તે પછી કેન્દ્રમાં એનડીએ સરકાર ઉપર નિશાન સાધવામાં આવશે. સુવર્ણયુગ અને અમૃતકાળને આંચ આવે નહીં એવી આશા આપણે રાખીએ.

છેલ્લાં દસ વર્ષમાં દેશભરમાં થયેલા વિકાસ વિશે દેશપ્રેમી નાગરિકોમાં બે-મત નથી. હોઈ શકે નહીં. પણ લોકતંત્ર બચાવવાના નામે ફરીથી ભ્રષ્ટાચારની ભરમાર શરૂ થાય નહીં એવી આશા રાખી શકાય? સંસદમાં જવાબદાર વિપક્ષ  અને સંસદને જવાબદાર સરકાર ભારતની સંસદને નવું સ્વરૂપ, ગરિમા આપી શકે. વિશ્વમાં ભારતમાં સ્થાન-માનમાં જે વધારો થયો છે, ભારતના નામના ડંકા વગડયા છે તે જળવાઈ રહે તેની જવાબદારી વિપક્ષની પણ છે.

એનડીએ-મોદી સરકારે હવે નવાયુગ અને સંજોગોમાં ઘણી બાંધછોડ કરવી પડશે. આર્થિક અને સામાજિક સુધારા માટે સર્વસંમતિ નહીં, તો પણ શાસકપક્ષોમાં સહમતી રાખવા માટે મૂળ કાર્યક્રમોમાં ફેરફાર કરવા પડશે. વિપક્ષી નેતા જવાબદારી જાળવે અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગપતિઓને રાજકારણના નિશાના ઉપર રાખે નહીં તો ઔદ્યોગિક વિકાસ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી વધી શકશે. વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા હોવા છતાં ભાવવધારાની ફરિયાદ છે - તેથી સરકારના આગામી બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રાહત મળે તેવી આશા છે.

વાસ્તવમાં એનડીએ-મોદી સરકાર માટે હવે કસોટીકાળ શરૂ થાય છે. રાષ્ટ્રહિત સામે સત્તાના સ્વાર્થને પરાજિત કરવામાં એમની કસોટી છે. અગ્નિવીર, સીએએ અને જાતિવાદી વસતિગણતરી જેવા વિવાદાસ્પદ વિષયોમાં વિપક્ષ - કૉંગ્રેસ ઉશ્કેરણી કરીને સરકારમાં આંતરિક વિવાદ શરૂ કરાવશે.

દેશકાળની સ્થિતિ અને સંજોગોમાં મીડિયાની જવાબદારી પણ મહત્ત્વની છે.

આજના સતત પરિવર્તનશીલ, બદલાતા યુગમાં પ્રિન્ટમીડિયા-અખબારો વિશ્વસનીયતા જાળવી શક્યાં છે તે વાચકોને આભારી છે. ટેક્નૉલૉજીના પ્રતાપે સમાચારનાં માધ્યમો, સાધનો વધ્યાં છે, તેની સાથે વિકૃતિ પણ વ્યાપક બની છે. સ્પર્ધાના નામે પ્રામાણિકતાનો ભોગ લેવાઈ રહ્યો છે. સમાચારનાં માધ્યમો સત્તા મેળવવાનાં `હાથા' બની ગયાં છે. લોકતંત્રમાં વિચાર-વાણી સ્વાતંત્ર્યનો ઘોર દુરુપયોગ થાય છે તે આપણે સૌએ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં  જોયું છે. જે અધિકાર લોકતંત્રના રક્ષણ માટે હોય તે આજે ભક્ષક બની ગયો છે! જવાબદાર પ્રિન્ટમીડિયા-અખબારો રાષ્ટ્ર ધર્મ બજાવી રહ્યાં છે - અને રાષ્ટ્રહિત સમજનારા નાગરિકોનું સતત સમર્થન મળે છે.

સંજોગો અને પડકારો વચ્ચે જન્મભૂમિએ સત્ત્વ અને તત્ત્વ જાળવી રાખવાના સંનિષ્ઠ પ્રયાસ કર્યા છે અને કરશે. પ્રિય વાચકો વિશે સુપરિચિત અને અશ્વસ્ત છે. જન્મભૂમિનો મંત્ર - જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદપિ ગરિયશી છે તે હૃદયસ્થ રાખીને સતત પરિવર્તનશીલ ટેક્નૉલૉજીનો વિસ્તૃત લાભ લેવામાં આવી રહ્યો છે.

આજે `સ્માર્ટ' યુગ છે. હાથમાં સ્માર્ટ ફોન હોય ત્યારે સમસ્ત દુનિયા આપણી મુઠ્ઠીમાં સમાઈ જાય છે! ચણા-સીંગ અને શેરીમાં શાકભાજી વેચનારાથી - લઈને તમામ નાના-મોટા ધંધાર્થીઓ હવે રોકડ વ્યવહાર ઉપર નહીં, સ્માર્ટ ફોન ઉપર આધાર રાખે છે. મનોરંજન, બૅન્કિંગ અને આપણા રોજિંદા વ્યવહારમાં પણ -કૉમર્સ - તમામ વ્યવહાર માત્ર એક આંગળીના ટેરવાથી થાય છે - પાંચ આંગળીઓ અને મુઠ્ઠીમાં પાકિટ રાખવાની જરૂર નથી. લાભ મીડિયા પણ મેળવે છે - હવે આપ જન્મભૂમિ ગ્રુપના અખબારો મોબાઈલ ઉપર વાંચી શકો છો - પણ વિન્ડો શોપિંગની જેમ વિન્ડો રીડિંગ છે - તેને એપેટાઈઝર માનીને પૂર્ણ અખબાર + બન્ને હાથ - દસ આંગળીઓમાં પકડો તો તમે જ્ઞાન-નો પૂરો લાભ મેળવી શકો અને જ્ઞાન એક અદ્ભુત શક્તિ છે તે રખે ભુલાય અને હા, અખબાર રેવડી બજારમાં વિનામૂલ્યે મેળવવાની અપેક્ષા રખાય નહીં - આખરે અખબારી વાંચન અને જ્ઞાન અમૂલ્ય છે. સાથે આપણી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ હોવું જોઈએ. જન્મભૂમિ પત્રો આપણી ગરવી ગુજરાતીનું શિક્ષણ અને પ્રસાર કરવાના અભિયાનને સતત પ્રોત્સાહન આપે છે અને સુજ્ઞ વાચકોને અભિયાનમાં જોડાવા આહ્વાન આપે છે.

આજના જન્મદિન પૂર્તિ - વિશેષાંકમાં મહાનગર મુંબઈની કાયાકલ્પ સાથે જનજીવન સરળ બની રહ્યાં છે કે નહીં - ઇઝ અૉફ લીવિંગ અને ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસ છે કે નહીં તે વિષે વિશેષ - અભ્યાસીઓના લેખ સમાવિષ્ટ કર્યા છે. આશા છે ગમશે. સમાજસેવામાં પ્રવૃત્ત વ્યક્તિઓ અને સંસ્થાઓ જો અનુકરણીય બને અને જરૂરિયાતવાળા લાભ લઈ શકે તે માટે પરિચય આપવાની જન્મભૂમિની પ્રણાલી છે. આપના અભિપ્રાય આવકાર્ય છે.

જન્મભૂમિ પત્રોના ઉત્કર્ષ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા તથા ટ્રસ્ટીમંડળની પ્રેરણા - પ્રોત્સાહનના પરિણામે મીડિયા ધર્મ અને રાષ્ટ્ર ધર્મનું જતન શક્ય બને છે. આજના શુભ પ્રસંગે વિજ્ઞાપનદાતાઓ, વિક્રેતા બંધુઓ, શુભેચ્છકો અને પ્રિય વાચકો-નો પ્રેમ-સહકાર હંમેશ મળતો રહે એવી પ્રાર્થના.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટ - જન્મભૂમિની પ્રણાલી રહી છે : મીડિયા ધર્મ અને માનવ ધર્મના સંયોજનની અનુસાર માનવકલ્યાણ અને સમાજસેવાના સમાચારને જન્મભૂમિમાં નિયમિત પ્રાધાન્ય અપાય છે. પ્રતિ વર્ષની જેમ આજના વિશેષ અંકમાં સમાજસેવી સંસ્થાઓની પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી છે - પરિચય પ્રતીકાત્મક છે. આવી અન્ય ઘણી સંસ્થાઓ સેવામાં પ્રવૃત્ત છે - સૌને જન્મભૂમિ સમર્પિત છે. સામાજિક, રાહત, વિકાસ ક્ષેત્રમાં સેવાભાવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ છે.