• બુધવાર, 17 એપ્રિલ, 2024

રિઝલ્ટ : સંઘર્ષને સફળતામાં ફેરવતી કન્યાઓ  

મહારાષ્ટ્ર બોર્ડના બારમા ધોરણનું રિઝલ્ટ 91.25 ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વેળા રિઝલ્ટ બે ટકા ઓછું આવ્યું છે. આ વર્ષે પણ કન્યાઓએ બાજી મારી છે. સરખામણીમાં આ વર્ષે કન્યાઓનું રિઝલ્ટ  ચાર ટકા વધુ છે. કોંકણ વિભાગ રિઝલ્ટમાં ટોપ પર છે જ્યારે મુંબઈ વિભાગનું રિઝલ્ટ ઘણું ઓછું આવ્યું છે. કન્યાઓનું રિઝલ્ટ 93.73 ટકા જ્યારે છોકરાઓનું રિઝલ્ટ 89.14 ટકા છે.

વાસ્તવમાં મહેનતુ કન્યાઓની મોટી સફળતાનું આ પરિણામ છે. સિવિલ સેવા પરીક્ષા 2022નાં રિઝલ્ટમાં પ્રથમ ચાર સ્થાને કન્યાઓ જ આવી છે. જે પ્રજાતંત્રના માળખામાં મહિલા સાંસદ 33 ટકા અનામત માટે વર્ષોથી ઝઝૂમી રહી છે ત્યાં શાળાઓથી લઈ ટોચની સ્પર્ધાઓ સુધીની તમામ પરીક્ષાઓમાં કન્યાઓની પ્રગતિ સુખદ ઉત્સાહથી છલકાઈ રહી છે.

પરીક્ષાઓમાં છોકરાઓ કરતાં કન્યાઓનું રિઝલ્ટ વધી રહ્યું છે તે જોતાં આવી જ સ્થિતિ રહી તો સમાજ, વ્યવસાયમાં જી... સરની જગ્યાએ જી... મૅડમ વધુ કહેવું વ્યાપક સ્વીકાર્ય બને તો નવાઈ નહીં. કન્યાઓએ સંઘર્ષને સફળતામાં પરિવર્તિત કર્યો છે જ્યારે છોકરાઓ ભણવામાં ગંભીર હોય એવું જણાતું નથી. આ ટ્રેન્ડ એક દૃષ્ટિએ બહુ સારો છે. જો તે જળવાઈ રહે તો નજીકના ભવિષ્યમાં સમાજ અને વ્યવસાયનાં સમીકરણો બદલી શકે છે. 

ભણેલી છોકરીઓથી સમાજ વધુ પરિપક્વ બનશે અને ભાવિ પેઢીને પણ વધુને વધુ શિક્ષિત બનાવવામાં ઉપયોગી થશે. આ સાથે જ છોકરાઓ માટે વ્યાવસાયિક ક્ષેત્રે પડકાર ઊભો થઈ રહ્યો છે. રિઝલ્ટ નિર્દેશ કરે છે કે સામાજિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરતી કન્યાઓ પડકારને તકમાં બદલી શકે છે. આજના વિદ્યાર્થીઓ મોબાઈલ અને સોશિયલ મીડિયા ભણી ઢળી રહ્યા છે, અભ્યાસને ગંભીરતાથી લેતા નથી. વાલીઓ દીકરીને સમાજમાં રહેવાની તેમ જ શિક્ષણ માટે જે સલાહ આપે છે તેવી જ રીતે છોકરાઓને પણ આપવાની આવશ્યક્તા છે. છોકરાઓને મોબાઈલના વળગણથી દૂર રાખવાની આવશ્યક્તા છે. કન્યાઓને મોબાઈલની જોઈએ એવી સુવિધા નથી મળતી છતાં કન્યાઓ મલ્ટિટાસ્કિંગ હોય છે. ઘરની સાથે અભ્યાસ પણ સારી રીતે કરતી હોય છે. છોકરાઓ ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચૅટમાં રચ્યાપચ્યા રહે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કન્યાઓ માટે પૂરતી સુવિધા નહીં હોવા છતાં તે શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે. સરકારની જવાબદારી છે કે, `કન્યા'ઓને ઘરની નજીક સ્કૂલ મળે, ટૉઈલેટની સુવિધા હોય, પૂરતા શિક્ષકો અને ક્લાસ હોય - આ સુવિધા મળે તો ગ્રામ્ય વિસ્તારોની કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક