• સોમવાર, 04 માર્ચ, 2024

શરદ પવારની કસોટી  

રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભંગાણ પડયા પછી અજિત પવાર જૂથ ખરો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ છે અને પક્ષનું ઘડિયાળ ચૂંટણી ચિહ્ન જૂથ પાસે રહેશે એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો ચૂંટણી પંચે જાહેર કર્યો છે. પંચે રાજ્યસભાની આગામી ચૂંટણીઓ માટે શરદ પવાર જૂથને નવું નામ અને ચિહ્ન પસંદ કરવા જણાવાયું છે. હવે ચૂંટણી પંચના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વિચારી રહી છે.

ચૂંટણી પંચે ચુકાદામાં અજિત પવારના જૂથનો માર્ગ મોકળો કર્યા પછી હવે વિધાનસભ્યોના સભ્યપદ કેસ ચુકાદો પણ અજિત પવાર જૂથની તરફેણમાં જવાની પૂરેપૂરી શક્યતા છે. જે જૂથમાં વધુ સાંસદ અને વિધાનસભ્ય છે તેઓને પંચ ખરો પક્ષ માને છે. રાષ્ટ્રવાદીના દેશભરના 81 વિધાનસભ્યો, સાંસદો પૈકી 47 અજિત પવાર જૂથ પાસે છે. જ્યારે શરદ પવાર જૂથ પાસે 28 સભ્યો છે. સભ્યોએ બન્ને જૂથના સમર્થનમાં એફિડેવિટ આપી છે. છેવટે પંચે અજિત પવાર જૂથનો દાવો સ્વીકાર્યો છે.

ચૂંટણી પંચનો ચુકાદો શરદ પવાર જૂથને મોટો આંચકો છે. જોકે, શરદ પવાર સહિત તેમના જૂથને ચુકાદો અપેક્ષિત હતો. `મેં જીવનમાં પાંચ જુદાં જુદાં ચિહ્નો પર ચૂંટણી લડી છે અને જીતી છે. તેને લઈ આપણને કયું ચિહ્ન મળશે, તેની ચિંતા કાર્યકર્તાઓ બિલકુલ કરે નહીં, એમ ખુદ પવારે કેટલાક દિવસ પહેલાં દિલ્હીમાં જણાવ્યું હતું. આના પરથી લાગે છે જે નવું ચિહ્ન અને પક્ષને જે નવું નામ મળશે તેનો સ્વીકાર કરી પવાર આગળની વ્યૂહરચના તૈયાર કરશે.

શરદ પવારે જે પાંચ ચૂંટણીઓ લડી અને જીતવાની વાત કરી ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ એક હતો. શરદ પવારનો પડયો બોલ ઝીલાતો હતો. વર્ષો સુધી પવારે પક્ષ પર એકચક્રી શાસન ચલાવ્યું, પણ તેમના ખુદના ભત્રીજા અજિત પવારે પક્ષમાં ભંગાણ પાડયું, અલગ ચોકો શરૂ કર્યો. પક્ષના મોટા ભાગના વિધાનસભ્યો-સાંસદોનો ટેકો મેળવ્યો તેને લઈ શરદ પવાર એકલા પડી ગયા છે. આવી સ્થિતિમાં પક્ષનું નવઘડતર કરી નેતાઓ, કાર્યકર્તાઓની ફોજ ઊભી કરી તેઓ કેટલી વળતી લડત આપે છે તે જોવું રહ્યું. તેમની વય હવે જવાબ આપી રહી છે.

ગયા વર્ષે એપ્રિલમાં ચૂંટણી પંચે તત્કાલીન ચૂંટણીનાં પરિણામોના આધારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો રદ કર્યો હતો. શરદ પવારે ત્યારે આવનારા સંકટનું એંધાણ માનવાની આવશ્યક્તા હતી, પરંતુ તેઓ અને તેમની પુત્રી `સમય વર્તે સાવધાન' રહેવામાં ગાફેલ રહ્યાં હતાં અને પક્ષનાં સૂત્રો પોતાના હાથમાં રાખ્યાં હતાં. આમાં પણ દુકાળમાં અધિક માસની જેમ પરિવારના એક મોવડી અજિત પવારે બળવો પોકાર્યો અને હવે ચૂંટણી પંચનો ચુકાદો-રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ભાવિ સામે પ્રશ્નાર્થ મૂકે છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પર અજિત પવારનો બંધારણીય અધિકાર ચૂંટણી પંચે માન્ય રાખ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અજિત પવારની ભૂમિકા નિમિત્તે માન્ય રાખવામાં આવી હોવાથી, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેને લઈ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના બધા સાંસદો, વિધાનસભ્યોએ અજિત પવાર જૂથ વ્હીપની નિમણૂક કરે તેના આદેશનું પાલન કરવું પડશે. જોકે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંથી હજી `ગળતર' થાય તો નવાઈ નહીં.

પંચનો નિર્ણય પોતાના જૂથની તરફેણમાં આવ્યો હોવાથી અજિત પવાર જૂથનો ઉત્સાહ પરાકાષ્ઠાએ છે. હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની અૉફિસોનો કબજો મેળવવાની લડાઈ શરૂ થશે. આશા રાખીએ કે આમ કરતી વેળા કાયદો-વ્યવસ્થાને કોઈ અસર પહોંચે. અજિત પવાર જૂથ વતી પોતાના જૂથને સત્તાવાર જૂથ તરીકે માન્યતા મળે માટે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ઉપસભાપતિને પત્ર આપવામાં આવ્યા છે, જેનો અમલ થયા પછી રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો ચહેરો અલગ દેખાશે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં બળવો કરી બહાર પડેલા ભત્રીજા અજિત પવાર અને તેમના કાકા શરદ પવાર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં `વાક્યુદ્ધ' ફાટી નીકળ્યું છે. તેમના પારિવારિક સંબંધો પર પણ અસર પડી છે. અજિત પવારે તો કાકાને વયને અનુસરી રાજકીય સંન્યાસ લેવાની સલાહ પણ આપી છે, પણ દરમિયાન શરદ પવારના કિલ્લા સમાન બારામતી લોકસભા મતદાર ક્ષેત્રમાંથી અજિત પવાર પોતાના કુટુંબની વ્યક્તિને ચૂંટણી લડાવશે એવા નિર્દેશ છે.

અજિત પવાર જૂથના કાર્યકર્તાઓને આવા પ્રકારનો `સંદેશ' મળ્યો છે અને ચૂંટણીની તૈયારી કરવાનો આદેશ ખાનગીમાં અપાયો હોવાનું સંભળાઈ રહ્યું છે. અજિત પવારે ત્રણ દિવસ પહેલાં બારામતીમાં કરેલું ભાષણ પાર્શ્વભૂમિકા પર હતું. `છેલ્લી ચૂંટણી છે એમ કહી તમને ભાવનાશીલ કરવામાં આવશે પણ વરિષ્ઠોના પ્રચારનો ભોગ બનતા નહીં. હવે તમે મારું સાંભળો, તમે મને ચૂંટણીમાં સહકાર આપો, તો વિકાસ કામ થશે એમ અજિત પવારે જણાવ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે શરદ પવારના પ્રતિષ્ઠા સમા બારામતી મતદાર ક્ષેત્રમાં શરદ પવારને પરાજિત કરવાની તૈયારી થઈ ચૂકી છે. બેઠક પર સુપ્રિયા સુળે વિરુદ્ધ સુનેત્રા પવાર (અજિત પવારનાં પત્ની) એવો સંઘર્ષ થવાની શક્યતા નકારી શકાય. લડત `શરદ પવાર વિરુદ્ધ અજિત પવાર' એવી થશે એટલે કે ચૂંટણીમાં પવારની બેઠક જાળવવામાં કસોટી થશે.

અજિત પવારની તરફેણમાં ચૂંટણી પંચના ચુકાદા પછી મહાવિકાસ આઘાડી પર તેની શું અસર પડશે તે જોવું પણ રસપ્રદ રહેશે. મહાવિકાસ આઘાડીના બે ઘટક પક્ષોના વડા ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર બન્ને નેતાઓ પક્ષનું નામ અને ચિહ્ન ગુમાવી બેઠા છે એટલે કે ચૂંટણીમાં તેઓ નવા ચિહ્ન અને નામ સાથે ઊતરશે. રાજ્યના દરેક મતદાર સુધી પહોંચી તેઓની તાજી સ્થિતિથી વાકેફ કરવું સહેલું નથી. માટે તેઓએ કાર્યકર્તાઓ દ્વારા જનસંપર્ક વધારવો પડશે, જાહેર સભાઓમાં લોકો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે. કોઈપણ પક્ષની વાસ્તવિક શક્તિ છેવટે વિધાનમંડળના સભ્યો કે બીજા લોકપ્રતિનિધિઓની સંખ્યાથી ઠરે છે. શરદ પવાર આમાં નિષ્ફળ ગયા છે. હવે તેમની સામે લોક અદાલત એટલે કે લોકો સમક્ષ જવાનો માર્ગ બાકી રહ્યો છે. પણ એક પડકાર છે, શરદ પવાર મહારાષ્ટ્રની પ્રજાનું મન જીતવામાં કેટલા સફળ રહે છે તેની સૌને ઉત્સુક્તા રહેશે.