• રવિવાર, 14 એપ્રિલ, 2024

મિશન 400 : મોડી રાત્રે ભાજપની હાઈપ્રોફાઈલ બેઠક  

એક-બે દિવસમાં ઉમેદવારની પહેલી યાદી જારી થવાની સંભાવના

નવી દિલ્હી, તા. 1 : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગીને લઈને વડા પ્રધાન મોદીના આવાસે ભાજપ નેતૃત્વની બેઠક થઈ હતી. જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત શીર્ષ નેતા સામેલ રહ્યા હતા. બેઠકમાં 50 ટકાથી વધારે સીટ માટે ઉમેદવારોના નામ ઉપર મંથન કરવામાં આવ્યું હતું. દરમિયાન પ્રત્યેક બેઠક ઉપર 3-3 નામને લઈને પેનલ તૈયાર કરવામાં આવી છે. બેઠક બાદ ભાજપ હેડક્વાર્ટરમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઈ હતી. સૂત્રો મુજબ એક બે દિવસમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ શકે છે. 

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પહેલા ઉત્તર પ્રદેશ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાદમા પશ્ચિમ બંગાળની બેઠકને લઈને ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ રાજસ્થાનની લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામને લઈને વિચાર કરવામાં આવ્યો હતો. સુત્રો મુજબ પહેલી યાદીમાં લોકસભા ચૂંટણી માટે 100થી 120 બેઠક ઉપર ઉમેદવાર ઘોષિત કરવામાં આવી શકે છે. પંજાબ, આંધ્રપ્રદેશ, તમિલનાડુના ઉમેદવારોનો નિર્ણય હોલ્ડ ઉપર રાખવામાં આવ્યો છે. ત્રણેય રાજ્યમાં ભાજપની ક્ષેત્રીય દળો સાથે ગઠબંધનની વાત ચાલી રહી છે. પંજાબમાં ભાજપ અકાલી દળ, આંધ્રપ્રદેશમાં ટીડીપી અને જનસેના સાથે વાત કરી રહી છે. જ્યારે તમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે વાતચીત ચાલુ છે. 

ગુરુવારે વડા પ્રધાન આવાસે થયેલી બેઠકમાં ઉત્તર પ્રદેશ, તેલંગણ પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, ગોવા, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, ઝારખંડ, તમિલનાડુ, પુડ્ડુચેરી, અંદામાન નિકોબાર, ઓરિસ્સા, દિલ્હી, મણિપુર, જમ્મુ કાશ્મીરની સીટની પેનલને કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ રાખવામાં આવી હતી. બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ, પ્રકાશ જાવડેકર, મનસુખ માંડવીયા, પુષ્કરસિંહ ધામી, પ્રમોદ સાવંત જ્યોતિરાદિત્ય સિંધિયા, કેશવપ્રસાદ મોર્ય, યોગી આદિત્યનાથ વગેરે પણ હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ